વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી અસ્થિરતા અને પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષની અસર વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ઇંધણની નિકાસ નીતિમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નિર્ણય મુજબ પેટ્રોલની નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી (SAED) સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. બીજી તરફ, ડીઝલ અને વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની નિકાસ પરની ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પાછળ વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ વચ્ચે દેશની આંતરિક જરૂરિયાતો માટે પૂરતો ઇંધણ જથ્થો ઉપલબ્ધ રાખવાનો અને રિફાઇનરીઓની નિકાસ નીતિમાં સંતુલન જાળવવાનો હેતુ રહેલો છે. જો કે પેટ્રોલના નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી નાબૂદ કરતાં તેનો લાભ ખાનગી રિફાઈનરીઓને વધુ થશે.
નાણા મંત્રાલયના નવા જાહેરનામા પ્રમાણે પેટ્રોલની નિકાસ પરની ડ્યૂટી પ્રતિ લિટર રૂ. 2.50થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. એટલે કે હવે પેટ્રોલની નિકાસ પર આ વિશેષ એક્સાઇઝ ડ્યૂટી ચૂકવવી પડશે નહીં. જોકે, ડીઝલની નિકાસ પરની ડ્યૂટી પ્રતિ લિટર રૂ. 8.50થી વધારીને રૂ. 11.50 કરવામાં આવી છે. એ જ રીતે વિમાનમાં વપરાતા એટીએફની નિકાસ પરની ડ્યૂટીમાં પણ પ્રતિ લિટર 50 પૈસાનો વધારો કરીને રૂ. 10.50થી રૂ. 11 કરવામાં આવી છે. આ નવા દરો જાહેરનામા મુજબ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.
આ પ્રકારની નિકાસ ડ્યૂટી અથવા વિન્ડફોલ ટેક્સ લાદવાની શરૂઆત પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાયો ત્યારે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતાં ભારતીય રિફાઇનરીઓને વિદેશમાં પેટ્રોલિયમ પેદાશો વેચવાથી વધુ નફો મળવાની શક્યતા ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં કંપનીઓ સ્થાનિક બજાર કરતાં નિકાસને વધુ પ્રાધાન્ય ન આપે અને દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત ઊભી ન થાય તે માટે સરકારે નિકાસ પર વિશેષ ડ્યૂટી લાદી હતી.
આ નિર્ણયથી સૌથી પહેલાં પેટ્રોલની નિકાસ કરતી રિફાઇનરીઓ અને પેટ્રોલિયમ કંપનીઓને રાહત મળશે. અગાઉ પ્રતિ લિટર રૂ. 2.50ની નિકાસ ડ્યૂટી ચૂકવવી પડતી હોવાથી તેમની નિકાસની આવક અને સ્પર્ધાત્મક ક્ષમતા પર અસર થતી હતી. હવે આ ડ્યૂટી દૂર થતાં ભારતીય પેટ્રોલ નિકાસકારો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ અનુકૂળ સ્થિતિ ઊભી થશે. મતલબ કે રિલાયન્સ સહિત નિકાસકરતી રિફાઈનરીઓને મોટો ફાયદો થશે.








