કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપ આક્રમક, દેશભરમાં જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને પગલે રાજકીય વિવાદ વકર્યો છે. ખડગેના નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ સોમવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપે ખડગે પાસે બિનશરતી માફીની માગ કરી છે.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પટનામાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખડગેએ વડાપ્રધાન મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ભાષણ દરમિયાન પ્રેક્ષકોમાં બેઠેલા એક વ્યક્તિએ ‘મોદી નહીં જાય’ એવો અવાજ કરતાં ખડગેએ જવાબમાં કહ્યું હતું કે, ‘મોદીનો બાપ પણ જશે, બાપ પણ જશે.’ આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે.
દેશભરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન
ભાજપે ખડગેની ટિપ્પણીને અશોભનીય ગણાવીને માફીની માગ કરી છે. પક્ષનું કહેવું છે કે રાજકીય મતભેદોને વ્યક્તિગત અપમાન સુધી લઈ જવા જોઈએ નહીં. ભાજપ દ્વારા દેશભરના જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યાં છે.
પટનામાં ભાજપના પ્રદેશ કાર્યાલયથી ઇન્કમટેક્સ ગોળચક્કર સુધી વિરોધ માર્ચ કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન ખડગેના નિવેદન સામે સૂત્રોચ્ચાર અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભાજપે આરોપ લગાવ્યો છે કે ખડગેની ભાષા રાજકીય શિષ્ટાચારની મર્યાદા ઓળંગે છે. પક્ષે આ નિવેદનને કોંગ્રેસની ‘વૈચારિક નાદારી’ ગણાવ્યું છે.
ખડગેનું વર્તન જાણીજોઈને કરવામાં આવેલી રણનીતિનો ભાગ: ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ખડગેના નિવેદનની ટીકા કરતાં કહ્યું કે વડાપ્રધાનના પિતા અંગેની ટિપ્પણી કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ તે તેમની માનસિકતા દર્શાવે છે.
તેમણે કહ્યું કે આ વર્તન એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે. રાહુલ ગાંધી જો આ મુદ્દે મૌન રહેશે અને ખડગે પાસે માફીની માગ નહીં કરે, તો ભાજપ દેશની જનતા સમક્ષ કોંગ્રેસની સ્થિતિ રજૂ કરતું રહેશે.
ગિરિરાજ સિંહે વધુમાં જણાવ્યું કે ખડગે માફી ન માગે અને રાજીનામું ન આપે ત્યાં સુધી ભાજપનો વિરોધ ચાલુ રહેશે. તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આ મુદ્દે મૌન તોડવાની માગ કરી.
ખડગેનું માનસિક સંતુલન બગડ્યું છે: ઓપી રાજભર
ઉત્તર પ્રદેશના મંત્રી ઓપી રાજભરે પણ ખડગેના નિવેદનની નિંદા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે જનતાએ કોંગ્રેસને નકારી દીધી હોવાથી કોંગ્રેસના કાર્યક્રમોમાં ખુરશીઓ ખાલી રહે છે અને તેના કારણે ખડગે ચીડિયા થઈ રહ્યા છે.
રાજભરે કહ્યું કે ખડગેએ દેશની જનતાની માફી માગવી જોઈએ અને સ્વીકારવું જોઈએ કે તેમનું નિવેદન ખોટું હતું.
ખડગેએ શિષ્ટાચારની તમામ મર્યાદાઓ ઓળંગી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ખડગેના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની અશોભનીય ટિપ્પણી કરીને ખડગેએ શિષ્ટાચારની તમામ મર્યાદાઓ ઓળંગી છે.
અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અગાઉ પણ વડાપ્રધાન મોદી અને તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ચૂકી છે. તેમણે વડાપ્રધાનની માતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ, મોદીને ‘મોતના સોદાગર’ કહેવા અને તેમની ગરીબીને લઈને ‘ચાયવાલા’ તરીકે કટાક્ષ કરવાના જૂના વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સમય આવ્યે જનતા યોગ્ય જવાબ આપશે: નીતિન નવીન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જે અશોભનીય અને અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે, તે કોંગ્રેસની વૈચારિક નાદારી દર્શાવે છે.
તેમણે કહ્યું કે દેશની જનતા આ પ્રકારની અશોભનીય રાજનીતિને નજીકથી જોઈ રહી છે અને સમય આવ્યે તેનો યોગ્ય જવાબ આપશે.
ક્યારે અને શું કહ્યું હતું ખડગેએ?
રવિવારે પટનામાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ખડગેએ આ ટિપ્પણી કરી હતી.
ભાષણ દરમિયાન પ્રેક્ષકોમાં હાજર એક વ્યક્તિએ ‘મોદી નહીં જાય’ એવો અવાજ કરતાં ખડગેએ જવાબમાં કહ્યું હતું કે, ‘મોદીનો બાપ પણ જશે, બાપ પણ જશે.’ આ નિવેદન બાદ ભાજપે દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે અને કોંગ્રેસ અધ્યક્ષ પાસે બિનશરતી માફીની માગ કરી છે.
આ વિવાદને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય ટકરાવ વધુ ઉગ્ર બન્યો છે.








