નવી દિલ્હી: મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓના મુદ્દે મંગળવારે દિલ્હીમાં વિપક્ષી દળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. INDIA બ્લોકના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢ્યો હતો.
વિપક્ષી નેતાઓનો માર્ચ સંસદ માર્ગ નજીક પોલીસે અટકાવ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ સહિતના નેતાઓ અને સાંસદોએ રસ્તા પર ધરણા શરૂ કર્યા હતા. કેટલાક નેતાઓને પોલીસે અટકાયતમાં પણ લીધા હતા.
આ વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત INDIA બ્લોકના અનેક નેતાઓ જોડાયા હતા. નેતાઓએ ચૂંટણી પંચ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે સુરક્ષા વ્યવસ્થાને કારણે તેમને રોકવામાં આવ્યા હતા.
વિપક્ષે SIR પ્રક્રિયા રદ કરવાની, કથિત રીતે દૂર કરાયેલા મતદારોના નામ પુનઃસ્થાપિત કરવાની અને CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે. વિપક્ષી દળો મતદાર યાદી પ્રક્રિયામાં પારદર્શિતા અને કથિત ગેરરીતિઓ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.
બીજી તરફ, ચૂંટણી પંચે મતદાર નોંધણીના ફોર્મ-6માં ફેરફાર કરાયો હોવાના આરોપ અંગે સ્પષ્ટતા કરી છે કે ફોર્મ-6માં ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ SIR પ્રક્રિયા અંતર્ગત તેની સાથે પૂરક ઘોષણા ફોર્મ ઉમેરવામાં આવ્યું છે.
દિલ્હીમાં આ વિરોધને પગલે સંસદ, વિજય ચોક અને ચૂંટણી પંચની કચેરી આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.








