જીવનની આર્થિક મુશ્કેલીઓ ક્યારેક માણસને એવા અંધકાર તરફ ધકેલી દે છે જ્યાંથી તેને મોત જ એકમાત્ર વિકલ્પ દેખાવા લાગે છે. નોઇડામાં આજે બનેલી એક કમકમાટીભરી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. નોઇડાની સૌથી ઊંચી ઈમારત ગણાતી ‘સુપરનોવા સોસાયટી’ના 43મા માળેથી કૂદીને એક 29 વર્ષીય યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે 43મા માળેથી નીચે પટકાતા જ યુવકના શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને જમીન પર ચારે તરફ લોહી વેરવિખેર થઈ ગયું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ ગુરુગ્રામના આઈએમટી માનેસર વિસ્તારના રહીશ સંભવ જૈન તરીકે થઈ છે. સંભવે શુક્રવારે, 2 ઓક્ટોબરના રોજ સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીના એસ્પાયર ટાવરમાં 43મા માળે રૂમ નંબર 4228 ભાડે (એરબીએનબી) રાખ્યો હતો. શનિવારે સવારે 11:27 વાગ્યાની આસપાસ તે અચાનક રૂમની બાલ્કનીની રેલિંગ ઓળંગીને બહારની તરફ લટકી ગયો હતો.
આ જ સમયે બાજુના રૂમ (4227)માં કેટલાક એસી (AC) ટેક્નિશિયનો રિપેરિંગનું કામ કરી રહ્યા હતા. યુવકને લટકતો જોઈને તેઓ તરત જ દોડી આવ્યા અને તેને નીચે ન કૂદવા માટે સતત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંભવે તેમને હતાશામાં જણાવ્યું કે તે ભારે ડિપ્રેશનનો શિકાર છે અને હવે તે વધુ જીવવા માંગતો નથી. ટેક્નિશિયનો તેને બચાવવા માટે આગળ વધે તે પહેલાં જ તેણે પોતાના હાથ છોડી દીધા હતા અને 80 માળની ઈમારતના 43મા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે થોડી સેકન્ડો માટે રેલિંગ પર લટકતો જોવા મળે છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંભવે ગંભીર આર્થિક તંગી અને ભારે દેવાના દબાણ હેઠળ આ આત્યંતિક પગલું ભર્યું હતું. સેક્ટર-126 પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા સંભવના મોબાઈલમાંથી તેના પિતા વિનય કુમાર જૈન સાથેની વોટ્સએપ ચેટ મળી આવી છે. ચેટમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે તે આર્થિક સમસ્યાઓના કારણે પોતાનો જીવ આપી રહ્યો છે અને આ માટે તે પોતે જ જવાબદાર છે. આ ઉપરાંત, તેણે મરતા પહેલા પોતાની વ્યથા ઠાલવતો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હોવાની માહિતી સામે આવી છે, જે પોલીસે તપાસ માટે કબજે કર્યો છે.
હાલમાં પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં વધતા જતા માનસિક તણાવ અને આર્થિક સંઘર્ષના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરિયું છે.








