ભગવાનની આરાધના અને લોકોની સેવા કરવા ગયેલા કોઈ વ્યક્તિને કલ્પના પણ ન હોય કે આ સેવા જ તેમની અંતિમ યાત્રા બની જશે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ગણેશોત્સવના પવિત્ર માહોલ વચ્ચે એક એવી હચમચાવી દેનારી ઘટના બની છે, જે સાંભળીને કોઈપણ કંપી ઊઠે. ભંડારા (અન્નદાન) માટે બનાવવામાં આવેલા ગરમ સાંભારના વિશાળ તપેલામાં અકસ્માતે ખાબકવાથી એક ૪૬ વર્ષીય મહિલાએ અત્યંત કરૂણ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલા આ લાઇવ મોતનાં દ્રશ્યોએ જાહેર કાર્યક્રમોમાં રસોઈની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ ઊભો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હૃદયદ્રાવક દુર્ઘટના વિજયવાડાના કે.એલ. રાવ નગર વિસ્તારમાં બની હતી. ૪૬ વર્ષીય મદ્ધી સુજાતા નામની મહિલા તેમના નાના પુત્રના ઘરે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે આવી હતી. રવિવારે સવારે સ્થાનિક પંડાલમાં સાર્વજનિક અન્નદાન માટે રસોઈ બની રહી હતી, જેમાં સુજાતા શ્રદ્ધાપૂર્વક આયોજકોને મદદ કરી રહી હતી. આ દરમિયાન, ચૂલા પરથી ગરમ ઉકળતા સાંભારનું મોટું તપેલું ઉતારતી વખતે અચાનક સુજાતાએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે સીધી જ ગરમ સાંભાર ભરેલા વાસણમાં જઈ પડી હતી.
અતિશય ગરમ પ્રવાહીને કારણે સુજાતાનો ચહેરો અને શરીરનો મોટો ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાસ્થળે હાજર સ્વયંસેવકોએ બૂમાબૂમ સાંભળીને તુરંત તેમને બહાર કાઢ્યા અને વિજયવાડાની સરકારી હોસ્પિટલના બર્ન આઈસીયુ (Burn ICU)માં દાખલ કર્યા હતા. જોકે, ૨૪ કલાકની સઘન તબીબી સારવાર અને ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં સોમવારે સવારે આ મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા.
સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ કમનસીબ દુર્ઘટના બાદ સ્થાનિક સત્તાવાળાઓ સફાળા જાગ્યા છે અને વિશાળ ધાર્મિક મેળાવડાનું આયોજન કરતી સંસ્થાઓને રસોઈના સ્થળે કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવા આકરા નિર્દેશો આપ્યા છે.








