દિશા સાલિયાનના મોતને છ વર્ષ બાદ ફરી એકવાર મોટો વળાંક મળ્યો છે.આજે CBIએ આ મામલે FIR નોંધાવી છે. આ FIR બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત ડિનો મોરિયા, રિયા ચક્રવર્તી, સૂરજ પંચોલી અને અન્ય કેટલાંક લોકોના નામ તપાસના સંદર્ભમાં સામે આવ્યા છે અને આખો મામલો હવે CBIની તપાસ હેઠળ છે.
દિશા સાલિયાન દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020ના રોજ મુંબઈના માલાડ વિસ્તારમાં એક ઊંચી ઇમારત પરથી પડી જવાથી તેમનું મોત થયું હતું. શરૂઆતમાં મુંબઈ પોલીસે આ ઘટનાને અકસ્માતજન્ય મૃત્યુની તપાસ તરીકે હાથ ધરી હતી. બાદમાં પરિવાર તરફથી દિશાના મોતની પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા અને વધુ તપાસની માંગ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે 2 સપ્ટેમ્બર 2026ના પોતાના આદેશમાં CBIને તપાસ સોંપી હતી. કોર્ટે CBIના મુંબઈ ક્ષેત્રના અધિકારીને અનુભવી અને વરિષ્ઠ તપાસ અધિકારી નિયુક્ત કરવા, દિશાના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધવા અને FIR દાખલ કરીને સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે અગાઉની તપાસને પર્યાપ્ત ન ગણાતી હોવાનું નોંધ્યું હતું.
11 સપ્ટેમ્બરે દિશાના પિતા સતીશ સાલિયાને CBI સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. તેમના વકીલ નિલેશ ઓઝાએ મીડિયા સમક્ષ દિશા સાથે ગેંગરેપ અને હત્યા થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને પુરાવા સાથે ચેડાં તથા કવર-અપની પણ તપાસની માંગ કરી હતી. સતીશ સાલિયાને પોતાના નિવેદનમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, રિયા અને શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, પરમબીર સિંહ સહિત અનેક નામોનો ઉલ્લેખ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
FIRમાં પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક અધિકારીઓ, ડૉક્ટરો અને અન્ય સંબંધિત લોકોનો પણ ઉલ્લેખ થયો હોવાનું અહેવાલ છે. હવે CBI ઘટનાસ્થળ, અગાઉના તપાસ રેકોર્ડ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરશે.
CBI તપાસમાંથી શું બહાર આવે છે તેના પર હવે સૌની નજર છે.







