ભૂલ થયા પછી તેને સ્વીકારવામાં અને ફરી ભૂલ નહિ કરવા માટે જાતને તૈયાર કરવામાં મનુષ્યની મહાનતા છે. જૈન પરંપરાનું પ્રતિક્રમણ આ માટે ની સાધના છે.
આપણે આખા દિવસમાં જાણતા કે અજાણતા અનેક ભૂલો કરીએ છીએ આપણા વિચાર, વાણી અને વર્તનથી કોઈને દૂ:ખ પહોંચાડીએ છીએ. પ્રતિક્રમણ દ્વારા સમ્યક વિચાર, વાણી અને વર્તન તરફ પરત ફરીએ છીએ. પ્રતિક્રમણ એટલે કે જાણે કે, પાપોમાંથી મુક્તિ અપાવતું પવિત્ર ગંગાસ્નાન. સંવત્સરી પ્રતિક્રમણના માધ્યમથી પાપોની કબુલાત કરીને અને ફરીથી તે નહી કરવાની પ્રતિજ્ઞા કરીને પાપોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બહારની તરફ નહી પણ ભીતર તરફ આક્રમણ કરવું તેનું નામ પ્રતિક્રમણે. બહારની દુનિયામાં આક્રમણ કરવામાં હિંસા કષાય અને ક્રોધનાં પાપો થાય છે. જ્યારે આપણી ભીતર આક્રમણ કરીને લાગેલા પાપોને દૂર કરવામાં શુદ્ધિ, શાંતિ અને સમતાનો અનુભવ થાય છે. કરેલા પાપોનો ભાર મન પર રહેતો હોય છે જેનાથી મનની પ્રસન્નતા ગુમાવવી પડે છે. પ્રતિક્રમણ કરવાથી પાપોને દુર કરવામાં આવે છે. મન હળવું થાય છે આ અર્થમાં પ્રતિક્રમણએ માનસિક આરોગ્ય માટે જડીબુટ્ટી સમાન છે. જેટલું મન શુદ્ધ અને પ્રસન્ન એટલું ફરી પાપ થવાની સંભાવના ઓછી થાય. આમ પ્રતિક્રમણ દ્વારા પાપોનું પુનરાવર્તન થતું અટકે છે. પ્રતિક્રમણ એ પસ્તાવાનું ઝરણું છે જેમાં સ્નાન કરીને સ્વચ્છ બની શકાય છે.
પર્યુષણના આઠ દિવસની આરાધનામાં પહેલા સાત દિવસ તો સંવત્સરી મહાપર્વની ઉજવણીની તૈયારી માટે છે. સંવત્સરી મહાપર્વના દિવસે ભાવિકો સંવત્સરી પ્રતિક્રમણ કરીને વર્ષભર લાગેલા નાનાં-મોટા પાપોની ગુરૂ અને ભગવાનની સાક્ષીએ માફી માંગે છે.
પ્રતિક્રમણ કરવાથી મન શુધ્ધ અને પ્રસન્ન થાય છેઃ માનસિક આરોગ્ય જાળવવા જડીબુટી સમાન છે





