ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં સ્થાનિક અહેવાલ મુજબ માત્ર બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ પંચમહાલ, નવસારી અને વડોદરામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આજે ગુજરાત રિજિયનમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.આજે ગુજરાત રિજિયનમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનમાં વ્યાપક વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.

IMDના જિલ્લાવાર તાજી આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓ ને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ઓરેંજ એલર્ટ: વલસાડ,દાદર નગર હવેલી,તાપી, સુરત, નર્મદા, છોટા ઉદયપુર, દાહોદ, પંચમહલ, મહીસાગર, કરછ,પાટણ, બનાસકાંઠા રાજકોટ, પોરબંદર પર છે અને રેડ એલર્ટ: ભરૂચ, વડોદરા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર પર હોવાથી આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.
સ્થાનિક આગાહી મુજબ બપોરે 1 વાગ્યા સુધી પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક સ્તરે જનજીવનને અસર થવાની શક્યતા રહે છે. વાહનચાલકો અને નાગરિકોએ પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે.
બોરસદમાં ટૂંકા સમયમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આણંદ જિલ્લામાં વરસાદની તીવ્રતા સ્પષ્ટ થઈ છે. હવે આગામી કલાકોમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર કેટલું વધે છે તેના પર નજર રહેશે.





