એક તરફ દુનિયાને જોવામાં મુશ્કેલી અને બીજી તરફ સપનાઓને સાકાર કરવાની અડગ હિંમત. બુંદેલખંડના સુનીલ લોધીની કહાની માત્ર એક લોકગાયકની સફળતા નથી, પરંતુ સંઘર્ષ અને પ્રતિભાની એવી સફર છે, જેણે તેમને ગામડાંની મહેફિલોથી સીધા બોલિવૂડ સુધી પહોંચાડી દીધા. આજે ફિલ્મ ‘હનુમાન અંશ’નું ગીત ‘મૈંને તેરે હી ભરોસે’ને કારણે 25 વર્ષીય સુનીલ દેશભરમાં ચર્ચામાં છે.
સુનીલ લોધી મધ્યપ્રદેશના સાગર વિસ્તારના બુંદેલખંડ પ્રદેશનો રહેવાસી છે અને તે જન્મથી જ દૃષ્ટિબાધિત છે. બાળપણથી જ તેને સંગીત પ્રત્યે ઊંડો લગાવ હતો. આશરે 10-11 વર્ષની ઉંમરથી તેણે બુંદેલી લોકગીતો અને ભજનો ગાવાનું શરૂ કર્યું. પરિવારના ભરણપોષણમાં મદદરૂપ થવા માટે તેઓ સ્થાનિક ટ્રેનો અને ગામડાંઓમાં પરંપરાગત તમૂરા સાથે ભક્તિગીતો ગાતા હતા. ધીમે-ધીમે તેમની ગાયકી આસપાસના લોકોમાં ઓળખાવા લાગી હતી.
સુનીલનું ‘મોરે સંકટ કે કટૈયા’ ભજન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને તેમની પહોંચ અચાનક અનેકગણી વધી. વિશ્વસનીય અહેવાલો અનુસાર, આ ભજનને ઓનલાઈન 2.9 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આ જ રેકોર્ડિંગ સંગીત નિર્માતા પંકજ VRK સુધી પહોંચ્યું અને તેમણે સુનીલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુનીલ ઇન્દોરથી મુંબઈ પહોંચ્યા અને સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરવાની તક મળી હતી.
મુંબઈમાં સુનીલે આશરે આઠ ગીતો રેકોર્ડ કર્યા, જેમાંથી ‘મૈંને તેરે હી ભરોસે’ હનુમાન અંશનો ભાગ બન્યું હતું. ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં સારી સફળતા મેળવી છે.
સુનીલની સફર બતાવે છે કે શારીરિક પડકારો પ્રતિભાની ઉડાન રોકી શકતા નથી. બુંદેલખંડના ગામડાં અને ટ્રેનોથી શરૂ થયેલો તેમનો અવાજ આજે દેશભરના શ્રોતાઓ સુધી પહોંચી રહ્યો છે.





