અમદાવાદમાં માનવતાની એવી કહાની સામે આવી છે, જેમાં ધર્મની ઓળખ પાછળ રહી ગઈ અને બે પરિવારો એકબીજાના દર્દીઓ માટે જીવનદાતા બન્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલા અનોખા ‘ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ’માં એક હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની આપી હતી. આ સફળ ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓને નવી જિંદગી મળી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડામાં રહેતા હિંદુ દર્દીની કિડનીની સારવાર ચાલી રહી હતી. બીજી તરફ ઉદયપુરના મુસ્લિમ પરિવારના દર્દીને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. બંને દર્દીઓના પોતાના પરિવારના સંભવિત ડોનર તબીબી રીતે સીધા ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ન હોવાથી, તપાસ અને યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો વચ્ચે કિડની સ્વેપની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
હિંદુ દર્દી ઘનશ્યામભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને ડાયાબિટીસના કારણે તેમની કિડનીની કાર્યક્ષમતા ગંભીર રીતે ઘટી ગઈ હતી. ડાયાલિસિસ બાદ ટ્રાન્સપ્લાન્ટ જ તેમની માટે મુખ્ય વિકલ્પ રહ્યો હતો. મુસ્લિમ પરિવાર તરફથી કિડની મળવા અંગે તેમને કોઈ સંકોચ ન હતો. બીજી તરફ મુસ્લિમ મહિલા ડોનરે પણ આ નિર્ણયને બંને પરિવારો માટે આશીર્વાદ ગણાવ્યો.
ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. કેતન શુક્લા અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. જાવેદ વકીલના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશેષ સેવાઓ ઉપલબ્ધ છે.
આ ઘટના માત્ર તબીબી સફળતા પૂરતી નથી. બે અલગ ધર્મના પરિવારો વચ્ચેનો વિશ્વાસ અને જીવન બચાવવાની ભાવના સમાજને એકતા, સહઅસ્તિત્વ અને માનવતાનો મજબૂત સંદેશ આપે છે.