ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ટીવી ડિબેટ્સમાં પાર્ટીનો મજબૂત પક્ષ રજૂ કરનાર શહેઝાદ પૂનાવાલાએ ભાજપના નેતૃત્વને રાજીનામું સોંપ્યું હોવાના અહેવાલો સામે આવતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રાજીનામાની ચર્ચા સામે આવ્યાના માત્ર એક દિવસ પહેલાં જ પૂનાવાલાએ પોતાનો જૂનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ફરી શેર કર્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં તેમણે સક્રિય રાજકારણમાંથી દૂર થવાની પોતાની ઈચ્છા વિશે વાત કરી હતી.
અહેવાલો અનુસાર, પૂનાવાલાએ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હજુ સુધી તેમના રાજીનામાનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી. તેથી હાલ તેમના જૂના નિવેદનને રાજીનામા સાથે સીધું જોડવું યોગ્ય નથી. સત્તાવાર નિવેદન આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.
શહેઝાદ પૂનાવાલાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી નહીં પરંતુ કોંગ્રેસથી કરી હતી. 2008માં કોંગ્રેસ સાથે જોડાયા બાદ તેમણે NSUI, કોંગ્રેસની મીડિયા રિસર્ચ ટીમ અને મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. 2017માં કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી અને રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે તેમણે જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસથી અલગ થયા અને ભાજપમાં જોડાયા.
ભાજપમાં આવ્યા બાદ પૂનાવાલા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા અને ટીવી ડિબેટ્સમાં ભાજપનો આક્રમક પક્ષ રજૂ કરવા માટે જાણીતા થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2017માં કોંગ્રેસની આંતરિક લોકશાહી અંગે સવાલ ઉઠાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
પૂનાવાલાએ અગાઉના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ લગભગ 18-19 વર્ષથી સક્રિય રાજકારણમાં છે અને હવે સક્રિય રાજકીય જીવનથી આગળ વધવાનો સમય આવી ગયો હોવાનું તેમને લાગે છે. હવે તેમના રાજીનામા બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું તેઓ ખરેખર રાજકારણને અલવિદા કહી રહ્યા છે કે પછી કોઈ નવી ભૂમિકા સાથે પરત ફરશે?