અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરોની સુરક્ષા માટે તૈનાત રહેતી રેલવે પોલીસ ક્યારેક કાયદાનો ભંગ કરનારા સામાન્ય લોકોની સાથે-સાથે વગદારોના ટાર્ગેટ પર પણ આવતી હોય છે. આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો અમદાવાદ રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો હતો, જ્યાં એક માથાભારે શખ્સે કાયદાના રક્ષકો પર જ પોતાનો ખોટો પાવર બતાવવાનો લાઈવ પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ કે ડેપો વિસ્તારમાં સામાન્ય બાબતે ફરજ પરના પોલીસકર્મીઓ સાથે આ શખ્સે બબાલ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે આરોપી પોતાને IPS અધિકારી ગણાવી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફર કરાવી દેવાની ધમકીઓ આપતો હતો. તેની વાતચીત અને વર્તનથી શરૂઆતમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયા હતા, પરંતુ બાદમાં તેની ઓળખ અંગે શંકા જતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.
ફરજમાં અવરોધ ઉભો કરતાં કાર્યવાહી
પોલીસે જણાવ્યું કે આરોપી દ્વારા અસલી પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હતો. ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી અને સત્તાનો ખોટો દેખાવ કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રહલાદનગરના જોન ડેનિયલની ધરપકડ
આ કેસમાં પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા John Daniel ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી IPS તરીકે ઓળખ આપી હતી, કોઈને છેતર્યા છે કે નહીં અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
વધુ તપાસ શરૂ
પોલીસ હવે આરોપીના મોબાઇલ ફોન, દસ્તાવેજો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી રહી છે. સાથે જ તેણે નકલી ઓળખના આધારે કોઈ લાભ મેળવ્યો હતો કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.