સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી, ઉકળાટ અને ભારે બફારા વચ્ચે આજે આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના આગમન સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર બે કલાકમાં જ લગભગ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અરેઠ વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
સુરત શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. પાલ વિસ્તારમાં પણ BRTS બસ કાદવ અને ધસેલા રસ્તામાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સતત આવી રહેલી ઘટનાઓને કારણે રસ્તાની કામગીરી અને તંત્રની તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
શહેરમાં ઉધના ઝોનમાં સૌથી વધુ વરસાદ
સુરત શહેરમાં વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાના આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી, રાંદેર અને કતારગામ ઝોનમાં 4-4 મીમી, વરાછા ઝોનમાં 7 મીમી, લિંબાયત ઝોનમાં 12 મીમી અને અઠવા ઝોનમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉધના ઝોનમાં સૌથી વધુ 22 મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદ સાથે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વરસાદ શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલી ગઈ હતી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉધના, લિંબાયત, પાલ અને ઉમરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. અનેક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ખેડૂતોમાં ખુશીની લહેર
છેલ્લા એક સપ્તાહથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદના આગમન સાથે જ ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. જિલ્લાના મહુવા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું.
કરોડોની કામગીરી છતાં યથાવત સમસ્યાઓ
સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાં વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી રહે છે. આ વખતે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રને દોડધામ કરવી પડી હતી. વરસાદના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે લાંબા સમય બાદ પડેલા વરસાદને કારણે ગરમી અને બફારાથી રાહત મળતાં લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.