ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. જોકે, આ બેઠક પહેલાં અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાના રક્ષા મંત્રાલય (પેન્ટાગોન)એ ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલીને ફરીથી યુએસ પેસિફિક કમાન્ડ કરી દીધું છે.
હવાઈ દ્વીપસમૂહમાં સ્થિત આ કમાન્ડની જવાબદારી હિંદ મહાસાગરથી લઈને પ્રશાંત મહાસાગર સુધીના વિશાળ વિસ્તારની સુરક્ષા અને સૈન્ય કામગીરીની છે. આ કમાન્ડ હેઠળ અમેરિકાનું સેવન્થ ફ્લીટ (સાતમું નૌકાદળ) પણ આવે છે, જેણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
લગભગ આઠ વર્ષ પહેલાં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અમેરિકા દ્વારા આ કમાન્ડનું નામ યુએસ પેસિફિક કમાન્ડમાંથી બદલીને ઇન્ડો-પેસિફિક કમાન્ડ રાખવામાં આવ્યું હતું. તે સમયે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને રક્ષણાત્મક સંબંધો સતત મજબૂત બની રહ્યા હતા. હવે બુધવારે અમેરિકાએ ફરી એકવાર આ કમાન્ડનું નામ બદલીને પેસિફિક કમાન્ડ કરી દીધું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ અને મતભેદોની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે આ નામ પરિવર્તનને બંને દેશોના બદલાતા સંબંધોના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે.
જોકે, પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે કમાન્ડનું નામ બદલવાનો નિર્ણય મુખ્યત્વે વહીવટી અને ઐતિહાસિક કારણોસર લેવામાં આવ્યો છે. પેન્ટાગનના જણાવ્યા મુજબ, આ ફેરફારનો હેતુ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદથી ચાલતી સાત દાયકાથી વધુ જૂની સૈન્ય પરંપરા, સૈનિકોના ગૌરવ અને ઐતિહાસિક વારસાને સન્માન આપવાનો છે.
પેન્ટાગોનનું કહેવું છે કે નામમાં કરાયેલો આ બદલાવ કોઈ નવી વ્યૂહાત્મક નીતિ અથવા ભૂરાજકીય સંકેત નથી, પરંતુ અમેરિકાની લાંબી સૈન્ય પરંપરા અને ઐતિહાસિક ઓળખને ફરીથી પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ છે.
કેમ ઉઠી રહ્યા છે સવાલ?
અમેરિકાએ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મળીને ક્વાડની (QUAD)ની રચના કરી છે, જેનો આધાર જ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર છે. આવા સમયે અમેરિકાના રક્ષા મંત્રાલય દ્વારા કમાન્ડના નામમાંથી ‘ઇન્ડો’ શબ્દ હટાવવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
આ નિર્ણયથી એવો સંદેશો જતો હોવાનું માનવામાં આવે છે કે અમેરિકાનું મુખ્ય ધ્યાન હવે પ્રશાંત મહાસાગર પર વધુ કેન્દ્રિત થઈ શકે છે, જ્યારે હિંદ મહાસાગરનું મહત્વ તુલનાત્મક રીતે ઘટતું દેખાઈ શકે છે. એટલે કે, અમેરિકા હવે મુખ્યત્વે પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક પડકારો પર વધુ ફોકસ કરશે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં જ બદલાયું હતું નામ
2018 માં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, યુએસ લશ્કરી કમાન્ડનું નામ બદલીને યુએસ પેસિફિક કમાન્ડ (USPACOM) થી યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ (INDOPACOM) કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન અમેરિકી સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે આ ફેરફાર ભારતની વધતી વ્યૂહાત્મક ભૂમિકા અને હિંદ મહાસાગર તથા પ્રશાંત મહાસાગરની એકબીજા સાથે જોડાયેલી સુરક્ષા હકીકતોને પ્રતિબિંબિત કરવા માટે કરવામાં આવ્યો છે.
પરંતુ હવે પેન્ટાગોને ફરી એકવાર તેનું નામ પેસિફિક કમાન્ડ રાખવાની જાહેરાત કરી છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ નિર્ણય વારસાગત ઓળખ અને ઐતિહાસિક મૂળને પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવ્યો છે. સાથે જ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ નામ પરિવર્તનથી કમાન્ડના કાર્યક્ષેત્ર, મિશન કે જવાબદારીઓમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય હાજરી અને કામગીરી યથાવત રહેશે, માત્ર કમાન્ડનું નામ બદલવામાં આવ્યું છે.
ફક્ત નામ બદલાયું છે, પરંતુ તે ત્યારે જ આવ્યું છે જ્યારે મોદી અને ટ્રમ્પ ફ્રાન્સમાં મળવાના છે. એવું લાગે છે કે ટ્રમ્પ, જે ટેરિફ વિવાદમાં સામેલ છે અને પાકિસ્તાનની પ્રશંસા કરી રહ્યા છે, તે હવે ભારતને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો ભારત તેમાં સામેલ ન હોય તો કોઈ વાંધો નથી.