Saturday, May 9, 2026

25 વર્ષ બાદ ફરી સાથે આવશે આમિર-આશુતોષની જોડી, ‘લગાન’ બાદ હવે નવી સ્પોર્ટ્સ ડ્રામાથી ધમાકો

3 Min Read

આમિર ખાન આ દિવસોમાં સતત અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે. હાલમાં જ તેમના પુત્ર જુનૈદ ખાનની ત્રીજી ફિલ્મ ‘એક દિન’ રિલીઝ થઈ છે, જેમાં તેમની સાથે સાઈ પલ્લવી લીડ રોલમાં જોવા મળી રહી છે. બીજી તરફ ગૌરી સ્પ્રેટ સાથેની તેમની પર્સનલ લાઈફને લઈને પણ મિસ્ટર પરફેક્શનિસ્ટ સતત સુર્ખીઓમાં છે. હવે આમિર એક નવી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યા છે. 25 વર્ષ પહેલાં આમિર ખાન અને આશુતોષ ગોવારિકરે મળીને એવી ફિલ્મ બનાવી હતી જેણે ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી હતી. આ ફિલ્મ હતી ‘લગાન’, જે વર્ષ 2001માં રિલીઝ થઈ હતી અને ઓસ્કાર માટે પણ નૉમિનેટ થઈ હતી. હવે ચર્ચા છે કે આમિર અને આશુતોષ ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે અને ખાસ વાત એ છે કે આ ફિલ્મ પણ સ્પોર્ટ્સ ડ્રામા પર આધારિત હશે.

સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ માટે ફરી સાથે આવશે આમિર-આશુતોષ
પિંકવિલાની એક રિપોર્ટ મુજબ, આમિર ખાન અને આશુતોષ ગોવારિકર ‘ભારતીય ક્રિકેટના જનક’ કહેવાતા દિગ્ગજ લાલા અમરનાથના જીવન પર આધારિત ફિલ્મ માટે ફરી સાથે આવી રહ્યા છે. હાલમાં ફિલ્મનું કામ એડવાન્સ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે અને અનેક સ્ક્રિપ્ટ રીડિંગ સેશન પૂર્ણ થઈ ચૂક્યા છે. કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે અને એક ભાવનાત્મક તેમજ પ્રેરણાદાયક સ્પોર્ટ્સ ડ્રામા તરીકે રજૂ થશે.

આમિર ખાનની આગામી ફિલ્મો
આમિરે તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ સપ્ટેમ્બર 2026થી એક નહીં પરંતુ ત્રણ ફિલ્મોની શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, આમિર ફિલ્મમેકર રાહુલ મોદી સાથે સ્ટાર્ટઅપ આધારિત એક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેમાં શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. ત્યારબાદ બહુચર્ચિત ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના સીક્વલમાં આમિર, વિક્કી કૌશલ, આર. માધવન અને શરમન જોશી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ‘3 ઈડિયટ્સ’ના સીક્વલનું શૂટિંગ વર્ષ 2027માં શરૂ થવાની શક્યતા છે.

‘લગાન’એ રચ્યો હતો ઈતિહાસ
વર્ષ 2001માં રિલીઝ થયેલી ‘લગાન: વન્સ અપોન અ ટાઈમ ઈન ઈન્ડિયા’ એક ઐતિહાસિક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન આશુતોષ ગોવારિકરે કર્યું હતું, જ્યારે આમિર ખાને પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ તેનું નિર્માણ કર્યું હતું અને સાથે જ મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. ફિલ્મમાં આમિર સાથે ગ્રેસી સિંહ, બ્રિટિશ અભિનેત્રી રેચલ શેલી અને પૉલ બ્લેકથોર્ન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Share This Article