Tuesday, May 12, 2026

ગુજરાતમાં આકરી ગરમીનો કહેર: 9 શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર, અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

2 Min Read

ગુજરાતમાં હાલમાં ભયંકર ગરમી પડી રહી છે. હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે, જ્યાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું તો કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે.રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે. રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. પશ્વિમી પવનો ફૂંકાતા ગરમીની અસર રહેશે.

અગનભઠ્ઠીમાં બે પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાન શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગુજરાત-રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનના બાડમેરમાં પડી રહી છે. બાડમેરમાં ગઈકાલે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ફલૌદીમાં 46.8, જેસલમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરી છે.આજે પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહે તે પ્રકારની શક્યતા છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજકોટમાં 43.3 ડિગ્રી અને વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગરમીથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનો કહેર વધશે. આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવ એલર્ટ જાહેર કરાયા છે.

Share This Article