આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
બપોરે 3 વાગ્યા સુધીની મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી
| મહાનગરપાલિકાનું નામ | મતદાનની ટકાવારી (%) |
| વાપી | 53.74% |
| નવસારી | 50.71% |
| મોરબી | 50.34% |
| નડીયાદ | 49.15% |
| મહેસાણા | 46.90% |
| કરમસદ-આણંદ | 44.58% |
| સુરત | 42.51% |
| ભાવનગર | 39.56% |
| સુરેન્દ્રનગર | 39.41% |
| રાજકોટ | 37.65% |
| જામનગર | 37.18% |
| વડોદરા | 36.08% |
| અમદાવાદ | 34.75% |
| ગાંધીધામ | 30.12% |
| પોરબંદર | 29.85% |