શહેરના દક્ષેશ્વરનગરથી લઈને અલથાણ ખાડી સુધીના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
દક્ષેશ્વરનગર અને તેની આસપાસના રસ્તાઓ પર લોકોએ પોતાના ટુ-વ્હીલર અને કાર જેવા મોટા વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરી દીધા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પોલીસ અને પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા રોડ પર ખડકાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જે વાહન માલિકોએ રોડ પર ગેરકાયદે પાર્કિંગ કર્યું હતું, તેમના વાહનો ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે રસ્તાઓ ખુલ્લા થયા છે અને વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.