Thursday, Dec 25, 2025

મ્યાનમારમાં ફસાયા ગુજરાતના 10 યુવક: વીડિયો મારફત ભારત સરકાર પાસે માંગી મદદ

3 Min Read

વિદેશમાં નોકરી કરી વધારે રૂપિયા કમાવવાની લાલચે ગયેલા ગુજરાતના 10 યુવક મ્યાનમારમાં ફસાયા છે. છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં અટવાયેલા યુવકોએ વીડિયો વાયરલ કરીને સરકારને મદદ માટે પોકાર કરી રહ્યાં છે. આ યુવકોનું કહેવું છે કે, તેમને દગો કરીને ત્યાં લઈ જવામાં આવ્યાં છે. વીડિયોમાં ઘણા બધા યુવકો અને યુવતીઓ છે, જેમના મોંઢે માસ્ક પહેરી ઊભેલા નજરે પડે છે. આ લોકોએ ભારત સરકારને મદદ કરવા માટે અપીલ કરી છે.

વાયરલ વીડિયોમાં યુવકે જણાવ્યું છે કે, ‘અમને દગો કરીને અહીં લાવવામાં આવ્યા છે. અમને કામ આપવાના બહાને કહ્યું હતું કે તમને ડેટા એન્ટ્રીનું કામ મળશે. કોઈને જાહેરાત કરવાની લાલચ આપી બોલાવવામાં આવ્યા, અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમને અલગ જ કામ કરાવે છે એ પણ બળજબરીપૂર્વક, અમને ક્યાંક જવા પણ નથી દેતા. દિવસના 14થી 18 કલાક સુધી કામ કરાવે છે’. મ્યાનમારમાં આ લોકો પાસેથી બળજબરીપૂર્વક 14થી 18 કલાક મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો પણ તે યુવકોએ દાવો કર્યો છે.

આ યુવકો એક દિવસ મોકો જોઈને કંપનીમાંથી બહાર નીકળી ગયાં અને મ્યાનમારની માયાવાડી વિસ્તારમાં આવેલા એક એનજીઓમાં પહોંચ્યાં હતા. 4 ડિસેમ્બરથી તે લોકો ત્યાં છે, ઇમિગ્રેશન થઈ ગયું છે, પરંતુ તેમની પાસે ફોન ના હોવાથી કોઈનો સંપર્ક કરી શકતા નથી, જેથી ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. એટલું જ નહીં, પરંતુ ભારતના દરેક રાજ્યમાંથી આવેલા અનેક લોકો અહીં ફસાયેલા છે. આ યુવકોમાં સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ નામનો યુવક ફસાયો છે. આ લોકોના પરિવારજનો પણ અત્યારે ચિંતિત છે અને મદદ માટે માંગણી કરી રહ્યાં છે. ગુજરાત અને ભારત સરકાર દ્વાર સત્વરે આ યુવકોની મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વાયરલ વીડિયોમાં યુવકે જણાવ્યું કે ‘અમને કંપનીમાંથી નીકળવાનો મોકો મળ્યો એટલે મ્યાનમારમાં માયાવાડી કરીને વિસ્તાર છે જ્યાં એક NGO છે ત્યાં 4 ડિસેમ્બરથી અમે રોકાયેલા છીએ, 7 તારીખે અમારું ઈમિગ્રેશન થઈ ચૂક્યું છે. પરંતુ અમારી પાસે ફોન નથી એટલે અમે કોઈનો કોન્ટેક્ટ નથી કરી શકતા, તો અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક રાજ્યમાંથી અહીંયા લોકો ફસાયેલા છે. જો તમને આ વીડિયો મળે તો અમને અહીંથી કાઢવાનો પ્રયાસ કરો’. હવે ભારત સરકાર દ્વારા આ લોકોની મદદ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતના યુવકના નામની વાત કરવામાં આવે તો, મલેક ફૈઝલહુસેન મોહમ્મદહનીફ (ખેડા), શેખ મોહમ્મદશાન સલીમમિયા (ખેડા), મિંજારાલા હીત રજનીકાંત (સુરત શહેર), ગુંજન જયેશકુમાર શાહ (વડોદરા), પરમાર દેવાંગકુમાર (વડોદરા), બિમલ જીતિયા (રાજકોટ), જતીન ગેડિયા (સુરત), ચવ્હાણ શુભમ (વડોદરા), પટેલ પ્રિન્સ રમેશભાઈ (નવસારી) અને પટેલ જયકુમાર સતીષભાઈ (આણંદ) અત્યારે મ્યાનમારમાં ફસાયા છે.

Share This Article