ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દુઃખદ ઘટના ઘટી છે. રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે પાંચ લોકો ટ્રેનની અડફેટે આવ્યા છે. આ દુ:ખદ અકસ્માત શાહજહાંપુરના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અતસાલિયા ક્રોસિંગ પર થયો છે. ટ્રેનની ગતિ એટલી વધુ હતી કે ક્રોસિંગ પાર કરી રહેલા લોકોને સ્વસ્થ થવાનો મોકો પણ મળ્યો નહીં, અને પાંચેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાના કારણે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે અને સ્થાનિક સિવિલ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ભયાનક દ્રશ્યે બધાને સ્તબ્ધ કરી દીધા હતા. પોલીસ અને રેલવે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. રેલવે ટ્રેક પર સુરક્ષાને લઈને અત્યારે ગંભીર સવાલો થઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક બાઇક ક્રોસિંગ પર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું. આ દરમિયાન લખનઉથી આવતી ગરીબ નવાઝ એક્સપ્રેસ ટ્રેને બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક પર સવાલ બે પુરૂષ, એક મહિલા અને બે બાળકોનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું.
મૃતકોની વાત કરવામાં આવે તો, 40 વર્ષીય હરિઓમ (ઉચોલિયા, લખીમપુર), 38 વર્ષીય સેથપાલ ( વિક્રમપુર, પોલીસ સ્ટેશન નિગોહી, શાહજહાંપુર), 30 વર્ષીય મહિલા પૂજાબેન (નિગોહી, શાહજહાંપુર), 05 વર્ષીય પુત્ર સૂર્ય અને 04 વર્ષીય દીકરી નિધિનું આ અકસ્માતમાં મોત થયું છે. જીઆરપી રોઝાએ કાનૂની કાર્યવાહી શરૂ કરીને મૃતકોનું પંચાયતનામા દાખલ કરીને પોસ્ટમોર્ટમ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.