બીલીમોરા નજીક દેવસર ગામે અંધશ્રદ્ધાળુ માતાએ બબ્બે સંતાનોની ગળું દબાવી હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.
બીલીમોરા-ગણદેવી રોડ ઉપર દેવસર ગામે મહારાજા હાર્મની એપાર્ટમેન્ટની બી વિંગમાં ફ્લેટ નં. ૩૦૧ માં જનેતાનો ક્રૂર ચહેરો જોવા મળ્યો હતો. સુનિતાનો પતિ શિવકાંત શર્મા ટાઈફોઈડ થયો હોવાથી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુનિતાના સાસુ સસરા હોસ્પિટલમાં ટિફીન લઈને ગયા હતા, શિવકાંતની માતા હોસ્પિટલમાં જ રહી પડી હતી, જ્યારે પિતા ઈન્દ્રપાલ ઘરે પાછા ફરી રાત્રે સુઈ ગયા હતા. સુનિતાએ મધરાતે માતાજીનો ફોટો રાખી કંકુથી પૂજા કરી પિતૃઓના મોક્ષ માટે દીકરાઓ 7 વર્ષના હર્ષ અને 4 વર્ષના અવૈધની ગળુ દબાવીને મારી નાંખ્યા હતા. એ બાદ સસરા ઈન્દ્રપાલનું ગળું દબાવી દેવાનો સુનિતાએ પ્રયાસ કર્યો હતો. જો કે સસરાએ તેની પકડમાંથી છુટી જઈ ઘરની બહાર ભાગી ગયા હતા. સુનિતાએ ઘર અંદરથી બંધ કરી દઈને દીકરાઓના મૃતદેહ પાસે જઈને બેઠી હતી. ઈન્દ્રપાલે પોલીસને જાણ કરી હતી, એ ઉપરાંત આસપાસના લોકોને જાણ કરી હતી. પોલીસ ઘરનો દરવાજો તોડી અંદર ગઈ ત્યારે સુનિતા બંને દીકરાની લાશ પાસે બેઠેલી હતી, પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.