Monday, Dec 8, 2025

વીર નર્મદ યુનિવર્સિટીમાં 111 બાળ કન્યાઓનું પૂજન

2 Min Read

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હિંદુ અધ્યયન પ્રતિષ્ઠાન દ્વારા નવરાત્રી પર્વના પવિત્ર દિવસોમાં આજે 25 સપ્ટેમ્બર 2025ના રોજ કન્યા પૂજનનું આયોજન નવનિર્મિત મધ્યસ્થ યુનિવર્સિટી ગ્રંથાલય ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સુરતની ભારતી મૈયા શાળાની કુલ 111 બાળ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ એન ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ હતા યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડો. રમેશદાન ગઢવી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગના સમન્વયક ડો ભરત ઠાકોરની દેખરેખમાં થયું હતું. જેમાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, જુદા જુદા વિભાગના વડાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો આરંભ કુલપતિ શ્રી અને કુલ સચિવ શ્રી એ દીપ પ્રાગટ્ય દ્વારા કર્યો હતો. ત્યારબાદ અંબે માતાની વિધિવત પૂજા અર્ચના બંને શ્રેષ્ઠિઓ દ્વારા કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહ્યું છે. તેના ભાગરૂપે આજરોજ આ કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

હિન્દુ સંસ્કૃતિમાં કન્યા પૂજન ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતીય ધર્મ શાસ્ત્રોમાં સ્ત્રીનો આદર કરતા કહેવામાં આવ્યું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા” (જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓ વાસ કરે છે). આ ભાવનાને મૂર્તિમંત કરવા, માતૃશક્તિ પ્રત્યે આદર જાગૃત કરવા અને યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યો સાથે જોડવાનો હેતુ રખાયો હતો.

નવરાત્રીના ચોથા દિવસે, ૧૧૧ છોકરીઓની પરંપરાગત વિધિઓ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી. તેમના પદ પ્રક્ષાલન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવી હતી. તમામ કન્યાઓને સ્મૃતિચિહ્ન અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

હિન્દુ સંસ્કૃતિ એવી પરંપરા છે જે સ્ત્રીઓને દેવી તરીકે માન્યતા આપે છે. દેવી સૂક્તમાં સ્ત્રી શક્તિનો અવાજ ગુંજી ઉઠે છે: અહં રાષ્ટ્ર સંગમની વસુનામ! નવરાત્રિ ઉત્સવ આ ભાવના વ્યક્ત કરે છે. સ્ત્રીઓ ફક્ત પરિવારનું કેન્દ્ર જ નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રની ચેતના છે.

Share This Article