Friday, Sep 19, 2025

કિંજલ દવે નવરાત્રિમાં નહીં ગાઈ શકે ચાર ચાર બંગડીવાળું ગીત, હાઈકોર્ટે 7 ડિસેમ્બર સુધી સ્ટે લંબાવ્યો

2 Min Read

સિંગર કિંજલ દવે નવરાત્રિમાં નહીં ગાઈ શકે ચાર ચાર બંગડીવાળું ગીત. કોપીરાઇટનો કેસ કરનાર કંપની રેડ રિબને ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની રજૂઆત કરતા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. વર્ષ 2019માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ દ્વારા સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો.

હાઈકોર્ટનો ચુકાદો
આ કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે રેડ રિબને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શરૂઆતમાં હાઈકોર્ટે કિંજલ દવેને જાહેર મંચ પર આ ગીત ગાવા પર સ્ટે યથાવત્ રાખ્યો હતો. જોકે, છેલ્લી સુનાવણીમાં આ સ્ટે હટાવી લેવાયો હતો, જેનાથી કિંજલ દવેને મોટી રાહત મળી હતી.પરંતુ, રેડ રિબન દ્વારા આ ચુકાદા સામે આગળ અપીલમાં જવાની તૈયારી દર્શાવાતા, તેમણે હાઈકોર્ટ સમક્ષ આ સ્ટેને 8 અઠવાડિયા સુધી લંબાવવાની માગ કરી હતી. હાઈકોર્ટે આ માગ સ્વીકારીને ગીત ગાવા પરનો સ્ટે આગામી 7 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.

શું હતો કેસ?
વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કરાયો હતો. આ દાવો કોપીરાઈટ એક્ટ હેઠળ કરવામાં આવ્યો હતો. કાર્તિક પટેલ નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે બનાવ્યું છે. બાદમાં આ ગીત કિંજલ દવેએ યુ-ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવેએ આ ગીતની કોપી કરી હતી. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવે છે. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30 જાન્યુઆરી 2024થી સોંગ પર પરફોર્મન્સ પર સ્ટે મુકાયો હતો.

Share This Article