આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઉપયોગી એવો ગંભીરા બ્રિજ જર્જરિત હોવાનું લોકો 2022થી કહેતા આવ્યા હતા. પરંતુ સરકારના કાને કોઈ પણ સંજોગોમાં આ વાત પહોંચી નહોતી અને 20 નિર્દોષ લોકોના મોત થયા. આ ઘટના બાદ એકાએક ભર ઊંધમાંથી ઝબકીને જાગેલી ગુજરાતની ભાજપ સરકારે તાબડતોબ રાજ્યના વિવિધ બ્રિજની ચકાસણી કરાવી. જેના અંતે પાંચ બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરાયા છે.
સંપૂર્ણપણે બંધ કરાયેલા 05 પુલ:
- મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
- મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ૧૫૧એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.
- સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.
- સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.
- સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.