સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજનું બાંધકામ 1985માં કુલ 343 લાખના ખર્ચે કરાયું હતું. પુલની ઊંચાઈ 40 મીટર, લંબાઈ 859.52 મીટર, કુલ સ્પાન-23 અને એનો કેચમેન્ટ એરિયા- 30976.00 ચો.કિ.મી. છે. આ બ્રિજ લખનઉની યુ.પી.સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે.
અંદાજે બ્રિજ પર 120 ફૂટથી મોટું ગાબડું પડી ગયું છે. બ્રિજ તૂટવાની સૌથી વધુ અસર દ.ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો અને આણંદ અને વડોદરાના ગ્રામ્યના સંપર્કો પર પડશે. ગંભીરાબ્રિજ સિવાય તેમના માટે સરળ કોઈ વિકલ્પ નથી. આણંદ આંકલાવના વિવિધ ગામોમાંથી રોજગારી માટે પાદરા જતા યુવાનોને પણ હવે મુશ્કેલી પડશે, જોકે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સિંધરોટ તરફ વાહનવ્યવહારને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. આના માટે વાહનચાલકોને 16 કિમી ફરીને જવું પડશે.
આ પુલ મહિસાગર નદી પર બનાવવામાં આવ્યો હતો. તે લગભગ 40 વર્ષ પહેલાં 1985માં બનાવવામાં આવ્યો હતો. આ પુલની લંબાઈ 900 મીટર છે. આખો પુલ 23 થાંભલાઓના ટેકે ઉભો છે. તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. પોલીસ અધિક્ષક (વડોદરા ગ્રામીણ) રોહન આનંદે જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 7:30 વાગ્યે પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.
બ્રિજ બંધ થતાં વાહનચાલકોને વાસદ તરફ ડાયવર્ઝન અપાયું
વડોદરાના પાદરા ખાતે મહી નદી પર ગંભીરાબ્રિજ આવેલો છે, જે આજે તૂટી પડતાં બ્રિજના બે ભાગ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. ગંભીરા બ્રિજ તૂટી પડતાં જ સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને વાસદ થઈને વાહનચાલકોને ચાલવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા તમામ વાહનચાલકોને હવે વાસદ થઈને જવું પડશે.
વાહનચાલકોને 50 કિલોમીટર વધારે ફરીને જવું પડશે
જોકે ગંભીરાબ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે એક શોર્ટકટ હતો. આ સાથે ટોલટેક્સ ન આપવો પડે એ માટે પણ વાહનચાલકો આ બ્રિજ પરથી પસાર થઈને બોરસદ થઈને તારાપુર જતા હતા. જેનાથી વાસદ ખાતેનો ટોલ પ્લાઝા આવતો નહોતો, જોકે આ રસ્તો બંધ થઈ જવાને કારણે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા તમામ વાહનચાલકોને હવે વાસદ થઈને જવું પડશે. જેથી 50 કિલોમીટર જેટલું વધારે વાહનચાલકોને ફરીને જવું પડશે.