કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ બુધવાર 9 જુલાઈના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં દેશભરના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાય તેવી અપેક્ષા છે. ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળને સફળ બનાવવાનું આહ્વાન કર્યું છે.
હડતાળથી અનેક સેવાઓ પ્રભાવિત થશે
આ દેશવ્યાપી હડતાળ અંગે હિંદ મઝદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુ કહે છે કે દેશવ્યાપી હડતાળથી બેંકિંગ, પોસ્ટલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે. બેંક યુનિયન તરફથી સંપૂર્ણ બેંક બંધ અંગે કોઈ માહિતી નથી. જોકે, અહીં કામકાજના કલાકો પ્રભાવિત થઈ શકે છે.
શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
યુનિયન હડતાળ દરમિયાન બેન્કિંગ સેવાઓ, ટપાલ સેવાઓ, વીમા સેવાઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત સરકારી પરિવહન પણ પ્રભાવિત થશે. શેરબજાર ખુલ્લું રહેશે, આ સાથે બુલિયન બજાર પણ ખુલ્લું રહેશે.
માંગણીઓ શું છે?
ગયા વર્ષે યુનિયનોએ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીઓનું ચાર્ટર સુપરત કર્યું હતું. તેમનો આરોપ છે કે સરકારે આ માંગણીઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી. વાર્ષિક મજૂર પરિષદ પણ છેલ્લા દાયકાથી યોજાઈ નથી. યુનિયનો આને કામદારો પ્રત્યે સરકારની ઉદાસીનતાનો પુરાવો માને છે.
હિંદ મજદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, “આ હડતાળથી બેન્કિંગ, ટપાલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડશે.”