મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગરહા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે અન્ય 10 ઘાયલ થયા છે. મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત થયુ હતું.
ગુરૂવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઉભા હતાં. ત્યાં અચાનક મંડપ ધરાશાયી થતાં એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઈપ વાગ્યો હતો. મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી હતો.
આખરે શું થયું?
બાગેશ્વર ધામ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો યુપીથી આવ્યા હતા. એક ભક્ત જણાવ્યું કે યુપીથી મોટી સંખ્યામાં ભક્તો બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. સવારની આરતી પછી અચાનક વરસાદ શરૂ થયો, તેથી ભક્તો પોતાને બચાવવા માટે પંડાલ નીચે ભેગા થયા. તંબુ જેવા પંડાલ પર ઘણું પાણી જમા થઈ ગયું અને તે નીચે પડી ગયું. પંડાલની રચનામાંથી એક લોખંડનો ખૂણો એક ભક્તના માથામાં વાગ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. અન્ય એક ભક્તને પણ ગંભીર ઈજા થઈ. તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.