ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં વિસાવદર બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે, જ્યારે કડી બેઠક ભાજપે 38 હજાર મતોની સરસાઇથી જીતી લીધી છે.
ગઈ 19 મીએ કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આજે તેની મતગણતરી થતાં 21 રાઉન્ડ બાદ ગોપાલ ઈટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને 17581 મતથી પરાજય આપ્યો છે. ગોપાલ ઈટાલિયાને 75942 મત મળ્યા હતા, જ્યારે કિટીટ પટેલને 58388 મત મળ્યા હતા. કોંગ્રેસના નીતિન રાણપરિયા ફક્ત 5501 મત મેળવી ત્રીજા ક્રમે રહ્યા હતા. વિસાવદરમાં મતગણતરીની શરૂઆતમાં ભાજપ અને આપ વચ્ચે રસાકસી રહી હતી, પરંતુ આઠમા રાઉન્ડ પછી ગોપાલ ઈટાલિયા આગળ નીકળી ગયા બાદ તેમની લીડ સતત વધતી રહી હતી. આખરે તેઓ 17 હજાર કરતાં વધુ મતોથી જીતી ગયા હતા.
જ્યારે કડી બેઠક ભાજપે જાળવી રાખી છે. કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાને 98836 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59932 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા ફક્ત 3077 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા.