Saturday, Dec 13, 2025

દેશમાં કોવિડ-19 ફરી ચિંતાજનક, 1000થી વધુ સક્રિય કેસ નોંધાયા

2 Min Read

વર્ષ 2020 અને 2021માં ભારત સહિત વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ફરી એક વાર સક્રિય થવા લાગ્યો છે. સિંગાપુર અને હોંગકોંગમાં પોતાના પંજા ફેરવી ચૂક્યા બાદ હવે ભારતમાં પણ આ વાયરસ ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે.

દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. તેમાં કેરળ રાજ્યમાં સૌથી વધુ 430 કેસ નોંધાયા છે. દિલ્હીમાંથી હાલ 104 સક્રિય કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, પશ્ચિમ બંગાળમાં 12 અને તામિલનાડુમાં 69 સક્રિય કેસ નોંધાયા છે રાજ્યોમાં કેટલા કેસ છે?

હાલના સમયે સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય કેરળ છે. કેરળમાં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 209 સક્રિય કેસ, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં9, હરિયાણામાં 9, આંધ્ર પ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 2, છત્તીસગઢમાં 1, ગોવામાં 1 અને તેલંગાણામાં 1 એક્ટિવ કેસ છે. ભારતમાં કુલ કેસ 1009 છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાંક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયેલા નથી.

આરોગ્ય મંત્રાલયનાં સત્તાવાર સૂત્રો પાસેથી થોડા દિવસો પહેલા મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ની અધ્યક્ષતામાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇમર્જન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Share This Article