બેંગલુરુ: આજે સવારથી બેંગલુરુમાં ધીમી ગતિએ ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આગામી ત્રણ દિવસ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચિકમંગલુરુ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.
ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે પ્રતિનિધિમંડળ
આજે ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ બેંગલુરુમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. વરસાદની શક્યતાને કારણે, IT કંપનીના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. વરસાદથી પ્રભાવિત સાઈ લેઆઉટમાં હજુ પણ પરિસ્થિતિ સામાન્ય નથી. ડ્રેનેજ સિસ્ટમના અભાવે, ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા બધા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આખું શહેર વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે
બેંગલુરુમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ, ઘરો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે. લોકોને તેમના ઘરમાંથી બચાવી લેવામાં આવ્યા છે. બેંગલુરુના વિવિધ ભાગોમાંથી પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આમાં જોઈ શકાય છે કે વરસાદ અને પાણી ભરાવાથી લોકો કેવી રીતે પરેશાન છે.
એક મહિલાનું મૃત્યુ
સોમવારે વરસાદને કારણે બેંગલુરુમાં એક આઈટી કંપનીની દિવાલ પણ પડી ગઈ હતી, જેના કારણે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ 35 વર્ષીય શશિકલા તરીકે થઈ છે. તે એક ખાનગી કર્મચારી હતી. આ સિઝનમાં વરસાદની શરૂઆત પછી વરસાદ સંબંધિત ઘટનામાં આ પહેલું મૃત્યુ છે.