જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. બાદમાં બિહારમાં વિકાસ કામગીરી અંગે માહિતી આપી હતી. પહલગામ હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર ભાષણ છે. આ કાર્યક્રમમાં તેઓ બિહારવાસીઓને અનેક ભેટ આપી હતી. ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ પોતાનો જીવન સાથી ગુમાવ્યો છે. તેમાંના કેટલાક બંગાળી બોલતા, કેટલાક કન્નડ બોલતા, કેટલાક મરાઠી, કેટલાક ઉડિયા, કેટલાક ગુજરાતી, કેટલાક બિહારના હતા. આજે કારગિલથી લઈને કન્યાકુમારી સુધી એ તમામ લોકોના મૃત્યુનું અમારું દુઃખ એક સરખું છે. આપણો ગુસ્સો એવો જ છે. આ હુમલો માત્ર નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ નથી થયો પરંતુ દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે, જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો અને જેમણે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું, તેઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે. સજા મળીને જ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે, ‘હુમલામાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, આખો દેશ પીડિતોની સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. દુશ્મનોએ આ હુમલો માત્ર નિર્દોષ પર્યટકો પર નહીં, પરંતુ ભારતના આત્મા પર હુમલો કર્યો છે. દોષિત આતંકીઓ, ષડયંત્રકારીઓને તેમની કલ્પના કરતાં પણ આકરી સજા મળશે. હું આખા વિશ્વને કહેવા માગુ છુ કે, ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી શોધીને મારશે. અમે આ હુમલાના ન્યાય માટે દરેક પ્રયાસો કરીશું. આતંકીઓને આકરીથી આકરી સજા આપીશુું.’