Wednesday, Oct 29, 2025

MSUમાં ‘Aeronautical Engineering’નો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી

1 Min Read

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમને AICTE(ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં નવો અને મહત્વપૂર્ણ કોર્સ શરૂ કરવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.

યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ધનેશ પટેલે કહ્યું હતું કે, કોઈ પણ એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવા માટે એઆઈસીટીઈની મંજૂરી જરૂરી હોય છે. આગામી વર્ષથી 30 બેઠકો સાથે એરોસ્પેસ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવશે. એક તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં જ એરક્રાફ્ટ બનાવવા માટે સરકારની નીતિ છે ત્યારે આ કોર્સ શરૂ કરવાથી વિદ્યાર્થીઓને નવી તકો મળશે. નવો કોર્સ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ચાલશે.

વિદ્યાર્થીઓ માટે જરુરી માળખાકીય સુવિધાઓ પણ વહેલી તકે ઉભી કરવામાં આવશે. સાથે-સાથે બીઈ મિકેનિકલના કોર્સમાં પણ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે વધારાની 60 બેઠકોને એઆઈસીટીઈ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ મિકેનિકલ વિભાગમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વધુ 60 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર સમક્ષ એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સ માટે યુનિવર્સિટી સત્તાધીશોએ ગ્રાન્ટ માગી હતી પરંતુ સરકારે નાણાકીય સહાય મંજૂર નહીં કરતા આ કોર્સ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ચલાવવો પડશે.

Share This Article