Wednesday, Oct 29, 2025

મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશે

3 Min Read

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ફરાર ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી લેવામાં આવી છે. મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે. મેહુલ ચોક્સી હાલ પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ માટે ઇન્ટરપોલ રેડ નોટિસ ઇશ્યૂ કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI સહિતની ભારતીય એજન્સીઓએ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે અરજી કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, 65 વર્ષીય ચોક્સીની સીબીઆઈની વિનંતી બાદ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ચોક્સી હાલ જેલમાં છે. પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે મુંબઈની એક અદાલતે તેની સામે જારી કરેલા બે ઓપન એન્ડેડ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતા. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે, આ વોરંટ 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના રોજ જારી કરવામાં આવ્યા હતા.

મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક પાસેથી નકલી લેટર ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને 13,850 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને તેણે ભારતને પ્રત્યાર્પણ કરવાનો વિરોધ કર્યો છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018માં પીએનબી કૌભાંડમાં તેમના નામ સામે આવ્યાના અઠવાડિયા પહેલા જ ભારત છોડીને ભાગી ગયા હતા.

અહેવાલો અનુસાર, મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં રહેવા માટે અરજી કરવા અને ભારત તરફથી પ્રત્યાર્પણનો વિરોધ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. એટલું જરૂર કહી શકાય કે મેહુલ ચોકસીએ હજુ સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી નથી.

મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાં રહેતો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં તે બેલ્જિયમ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. મેહુલ ચોક્સી 2021 માં એન્ટિગુઆથી ગુમ થયો હતો અને એવી અટકળો ચાલી રહી હતી કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ ભાગેડુ ઉદ્યોગપતિ પાછળથી ડોમિનિકામાં મળી આવ્યો હતો.

મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018 માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેંકમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનો બીજો સૌથી મોટો બેંક કૌભાંડ હતો. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં, જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો, ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે EDએ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.

Share This Article