સુરત ઘોડદોડ રોડના એક વેપારીને સાયબર માફિયાઓએ મુંબઈ પોલીસ અને સી.બી.આઈ.ના ઓફિસર તરીકે ઓળખ આપી મની લોન્ડરીંગના કેસમાં ડીજીટલ એરેસ્ટ કરી રૂપિયા 22 લાખ પડાવ્યા હતા. આખરે વેપારીને છેતર્યા હોવાનો ભાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે, ઘોડદોડ રોડ કોટક બેન્કની બાજુમાં નીરજ ઍપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઈ રમણલાલ શાહને ગત તા 15 નવેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વગ્યાથી 21 નવેમ્બર સુધીમાં સાયબર માફિયાઓએ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાંથી તેમજ સી.બી.આઈ. માંથી ઓફિસર રાજેશ મિશ્રાના નામે વિડીયો કોલ કર્યો હતો. ત્યારબાદ નરેશભાઈને તમારા આધારકાર્ડ ઉપર ખરીદવામાં આવેલા સીમકાર્ડના મોબાઈલ નંબર ઉપરથી છોકરીઓને ખરાબ મેસેજ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી છે. ઉપરાંત નરેશ ગોયલના કેસમાં પણ તમારા આધારકાર્ડ દ્વારા ટ્રાન્જેકશન થયુ હોવાનુ બહાર આવતા તમારી મની લોન્ડરીંગના ગુનામાં ડીજીટલ એરેસ્ટ કરાતા હોવાનું જણાવી પ્રોપટી વિગતો મેળવી હતી.
ત્યારબાદ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના લેટર પેટ ઉપર સમીટ કરી નરેશભાઈ પાસે બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવા માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના યુકો બેન્કના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું, અને જો રૂપિયા ટ્રાન્સફર નહી કરો તો એરેસ્ટ કરવાની ધમકી આપી હતી.
સાયબર માફિયાઓની ધમકીથી ગભરાઈને નરેશભાઈ શાહએ તેમના સુરત પીપલ્સ બેન્કના ખાતામાંથી ફીક્સ ડિપોઝીટ તોડી આરટીજીએસ મારફતે યુકો બેન્કના ખાતામાં રૂપિયા 22,00,400 ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા માફિયાઓએ નરેશભાઈને 24 કલાકમાં પરત કરી આપવાનું કહ્યું હતું. પરંતુ રૂપિયા પરત નહી કરી ઉપરથી વેરીફિકેશનના બહાને વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવાતા નરેશભાઈને તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી નરેશભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.