સુરતમાં ૧૧૮ રત્ન કલાકારો દ્વારા ઝેરી પાણી પીવાની ઘટનામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજ નામના વ્યક્તિની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે, જે કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજે પોતાના એક મિત્ર પાસેથી ₹૮,૦૦,૦૦૦ ગીરે લીધા હતા. આ લોનની રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિકુંજે સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી અને ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંતિમ સમયે તેની હિંમત ન થતાં તે ત્યાં જ ઊભો રહી ગયો હતો. લોકોની અવરજવર જોઈને તે ભયભીત થઈ ગયો હતો અને કોઈને ખબર ન પડે તે માટે તેણે ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નિકુંજ લેવીસ લાઈફ જીવી રહ્યો હતો, જેના કારણે તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે આ રકમ ચૂકવી શકે તેમ નહોતો. આરોપી નિકુંજના મામા પણ આ જ ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ કાપોદ્રા પોલીસ નિકુંજે આપેલી માહિતી સાચી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.
સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડ નામની હીરા કંપનીમાં રત્નકલાકારોની સામૂહિક હત્યાના ષડયંત્રના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા હીરાના કારખાનાનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ રત્નકલાકારોની યાદી બનાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ) નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના ૧૧૮ રત્નકલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી ૧૦૪ રત્નકલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હજુ પણ ૪ રત્નકલાકારો આઈસીયુમાં અને ૧૨ રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા. પોલીસે આ ઘટનાને રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકે ગણીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.