સુરતની જાણીતી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરવામાં આવેલા કેસને લઇ વેપારીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. ગઈકાલે વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા ઉપર બેઠેલા વેપારીઓને મળવા માટે અને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે આજે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયા અને કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા હતા. સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા દ્વારા કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી.
કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ડાયમંડ વેપારીના પરિવારો ધરણા ઉપર બેઠા છે. વેપારીઓ તેમના પત્ની સાથે ધરણા ઉપર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. છ વર્ષ પહેલા ડાયમંડના ધંધામાં નુકસાન થતા વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીને નાણા પરત કરી શક્યા ન હતા. જે બાબતે કંપનીના માલિક ડાયમંડ એસોસિએશન દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરીને શક્ય તેટલું બાકી નીકળતા નાણા લઈ લેવામાં આવ્યા હતા અને સમાધાન કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા જ્યારે વેપાર ધંધો સાથે કરવામાં આવતો હતો ત્યારે કંપનીએ તેમની પાસેથી સિક્યુરિટી પેઠે એડવાન્સ ચેક લઈ લીધા હતા. તે ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવીને વેપારીઓ સામે કેસ દાખલ કર્યો છે. જેનાથી વેપારીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા એ જણાવ્યું કે, કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક દ્વારા સમાધાન કરી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન વેપારીઓ દ્વારા તેમની જમીનો, ઘરેણા, રોકડ રકમ અને પ્રોપર્ટી પણ આપી દેવામાં આવી હતી. આજે બાર જેટલા પરિવારો કંપની સામે ધરણા ઉપર બેઠા છે. અમે કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે રજૂઆત કરી રહ્યા છે, કારણકે અમે પોતે પણ આ 12 પરિવારોની સંપત્તિ અંગે ખરાઈ કરી લીધી છે તેમની પાસે હવે આપવા માટે કશું બચ્યું નથી. આવી સ્થિતિમાં અમે તેમને સહાનુભૂતિ આપવા માટે કેપી સંઘવી ડાયમંડ કંપનીની સામે ધરણા સ્થળ ઉપર આવ્યા છે.