રાણા સાંગા પરના નિવેદનને કારણે ગુરુવારે કરણી સેનાના સભ્યોએ સપા સાંસદ રામજીલાલ સુમનના ઘરે હંગામો મચાવ્યો હતો. જ્યારે સ્થળ પર તૈનાત પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. કરણી સેનાના સભ્યોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. હુમલામાં ઈન્સ્પેક્ટર સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે બળપ્રયોગ કરીને તોફાનીઓને વિખેર્યા હતા. આ પહેલા કરણી સેનાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
અત્માદપુરમાં કરણી સેનાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. ત્યાં પણ પોલીસે તેમને રોક્યા હતા. કહેવાય છે કે કરણી સેનાના અમુક કાર્યકરો તો બુલડોઝર લઈને રામજીલાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોલીસે બુલડોઝર રોક્યું તો યુવાનો પાછળના દરવાજેથી આવીને તોડફોડ શરુ કરી હતી. ઘરની નજીકની કારની બારીના કાચ તોડી નાખવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અને યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.
રામજીલાલ સુમને એવું શું કહ્યું?
થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ રાણા સાંગા ”ગદ્દાર” છે અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારત લાવ્યા હતા તેવું કહેતા સાંભળવા મળે છે. તેમના આ નિવેદનને લઈ કરણી સેનાના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.