મંદિરો ચોક્કસ શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ તેની સાથે અર્થવ્યવસ્થા પણ જોડાયેલી છે. મંદિરોની આજુબાજુમાં વિકસતી સુવિધાઓ અને પર્યટનને મળતા વેગને લીધે સ્થાનિક રોજગારી વધે છે અને સરકારને પણ આવક મળે છે. રામ જન્મભૂમિ મંદિરમાં આવેલા દાનની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષમાં 944 કિલો ચાંદી દાનમાં આવી હતી. જે ચાંદીને 20 કિલોની ઈંટોમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ સાથે કરોડો રૂપિયાનું પણ દાન આવેલું છે. ભગવાનના આભૂષણો, મુગટ, ઝવેરાત બધુ જ દાનમાં આવેલું છે. અહી આવતા ભક્તો દિલ ખોલીને દાન કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તાજેતરમાં યોજાયેલા મહાકુંભ મેળાના કારણે લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતાં, જેના કારણે મંદિરની આવકમાં પણ વધારો થયો છે.
રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટીઓએ મંદિર પર થયેલા ખર્ચ અને રામ મંદિરના નિર્માણની પ્રગતિ અંગે ચર્ચા કરી. મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી 2020 ના રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. GST પેટે 272 કરોડ, TDS પેટે 39 કરોડ, લેબર સેસ 14 કરોડ, ESI 7.4 કરોડ, વીમા પેટે 4 કરોડ, જન્મસ્થળના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે 29 કરોડ, વીજળી બિલમાં 10 કરોડ, રોયલ્ટી તરીકે સરકારને 14.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાન સરકાર, કર્ણાટક સરકાર, મધ્યપ્રદેશ સરકાર અને યુપી સરકારને પથ્થરોની રોયલ્ટી આપવામાં આવી છે.
5 વર્ષમાં કુલ ખર્ચ 2150 કરોડ રૂપિયા હતો. બાંધકામ માટે જમીન પણ ખરીદવામાં આવી છે. ટ્રસ્ટને સમાજ તરફથી આ સહાય મળી છે. પરંતુ સરકાર તરફથી કોઈ આર્થિક મદદ લેવામાં આવી નથી. કોર્પોરેશન પાસેથી પાણી લેવામાં આવતું ન હોવાથી હજુ સુધી પાણી વેરો ચૂકવવામાં આવ્યો નથી. યુપીના રાજ્ય બાંધકામ નિગમને 200 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જે હેઠળ લગભગ 70 એકરમાં રામ કથા સંગ્રહાલય, વિશ્રામ ગૃહ, ત્રણ દરવાજા બનાવવામાં આવી રહ્યા છે.
અયોધ્યામાં બની રહેલા રામ જન્મભૂમિ મંદિરનું કામ પણ હવે પૂર્ણ થવાના આરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મંદિર 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિર ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે, તેવું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે. રામ મંદિરે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
મણિરામ દાસ છાવણી ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વિગતો આપી કે, મંદિર બનાવવા પાછળ અત્યાર સુધીમાં 2150 કરોડનો ખર્ચ થયો છે. જેમાંથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સરકારને 396 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે.