સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં એક 6 વર્ષની નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાત્રિ દરમિયાન અજાણ્યા આરોપીએ બાળકીને અપહરણ કરી લઇ જઇ પોતાનું હવસ પૂરી કરી હતી. બાદમાં બાળકી ગંભીર હાલતમાં મળી આવતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર ચાલી રહી છે.
આ ઘટનાને પગલે કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી સંભવિત CCTV ફૂટેજમાં કેદ થયો હોવાની માહિતી મળી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી રહી છે.
શહેરમાં માસૂમ બાળકી પર થયેલા આ અત્યાચારથી લોકોમાં ભારે રોષ છે. સ્થાનિક રહીશો આરોપીને ઝડપથી પકડી કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. બાળકીના પરિવારજનો આ ઘટનાથી ગભરાઈ ગયા છે અને તેઓ માટે આ માનસિક આઘાતજનક છે.
પોલીસે આ ગુનામાં દોષિતને ઝડપવા માટે વિશેષ ટીમ ગોઠવી છે. સુરત શહેરની જનતા અપેક્ષા રાખે છે કે આરોપીને ઝડપથી પકડવામાં આવશે અને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે.