Wednesday, Nov 5, 2025

વડાપ્રધાન મોદી નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે

2 Min Read

પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપશે. આજે મહિલા દિવસે પીએમ મોદી 41,000 લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જે વર્ષે એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેમનું સન્માન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલીપેડથી લઇ કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવી રહી છે. તેમજ તમામ કાર્યક્રમ સ્થળોની વ્યવસ્થા બંદોબસ્ત પણ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજે 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઇ છે

ગુજરાતના ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની સુરક્ષા માટે કુલ 3000 મહિલા કોન્સ્ટેબલ, 61 ઈન્સ્પેક્ટર, 187 PSI, 19 DySP, 5 SP અને એક DIG રેન્કના અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ મહિલા IPS અધિકારી અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) નિપુન તોરાવણે આ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી મહિલાઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1.5 લાખ જેટલી દીદી કાર્યક્રમમાં જોડાશે. તેમને પાર્કિંગથી લઈને ડોમમાં લાવવા સુધીની જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવેલ છે.

શું છે લખપતિ દીદી યોજના?
ભારત સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ પણ હવે આર્થિક ક્રાંતિ સર્જી લખપતિ દીદી બની રહી છે. રાજ્યમાં લાખો લખપતિ દીદીએ પોતાનું આર્થિક જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ લાવ્યો છે. ભારત સરકાર સાથે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં પણ વડાપ્રધાન મોદી દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી લખપતિ દીદી બનાવવાની ક્રાંતિ સર્જી છે. નવસારી જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ અને સખી મંડળ બનાવી બેંક પાસે લોન મેળવીને પોતાનો ગૃહ ઉદ્યોગ તેમજ નાનો વ્યવસાય શરૂ કરી 41,000 થી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે.

Share This Article