ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર અમેરિકાના પ્રમુખ બનવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલોન મસ્કે અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે હું મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યા છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા ‘X’ પર લખ્યું કે, ‘ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મારા મિત્રને હાર્દિક અભિનંદન. જેવી રીતે તમે તમારા અગાઉના કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકાના વ્યાપક વાશ્વિક અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને સાથે મળી નવીનીકરણ કરવા માટે ઉત્સુક છું’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં સારા મિત્રો છે. દુનિયાએ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી ઘણી વખત જોઈ છે. પીએમ મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ટ્રમ્પને મત કરવાની અપીલ કરી હતી. જો કે, તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર કમલા હેરિસને 224 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે 267 ઈલેક્ટોરલ વોટ જીત્યા છે અને અન્ય ઘણા રાજ્યોમાં કમલા પર આગળ ચાલી રહ્યા છે. તેથી હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશે.