NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી બાદથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સમાચારમાં છે. હવે કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને ઈનામ આપવાની જાહેરાત કરી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.રાજ શેખાવતે 1 કરોડ 11 લાખ 11 હજાર 1111 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજસ્થાનમાં કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી, આ કેસમાં પણ લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું.
આ વાયરલ વીડિયોમાં રાજ શેખાવતે જણાવ્યું કે, મને ફક્ત એટલી ખબર છે કે, આપણી ધરોહર પરમ આદરણીય અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈએ કરી હતી. જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એનકાઉન્ટર કરશે તેને કરણી સેના તરફથી ઈનામ પેટે 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપવામાં આવશે. તેમજ તે બહાદુર પોલીસના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થાઓનું દાયિત્વ પણ અમારૂ રહેશે.
ગતવર્ષે 5 ડિસેમ્બરે સુખદેવ સિહં ગોગામેડીની તેમના ઘરે જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ શેખાવતને પણ ગેંગના અમુક સાગરિતો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીને 5 ડિસેમ્બર 2023ના રોજ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. આ પછી શૂટરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગોગામેડીની હત્યાના કલાકો પછી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી. આ હત્યા કેસમાં આ વર્ષે 5 જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જેમાં રોહિત ગોદારાને માસ્ટર માઇન્ડ ગણાવ્યો હતો. આ સિવાય ગોલ્ડી બ્રાર અને વીરેન્દ્ર ચરણ અને અન્ય લોકો પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ તમામ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો :-