માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ માલદીવમાં હનીમાધૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા પેમેન્ટની શરૂઆત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ આ પ્રકારના પહેલા ટ્રાન્ઝેક્શનના સાક્ષી બન્યા.
મુઇઝ્ઝુ આ વર્ષમાં સતત બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. પોતાના પાંચ દિવસના પ્રવાસે ભારત આવેલા માલદિવ્સના રાષ્ટ્રપતિનું રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન કિર્તી વર્ધનસિંહે સ્વાગત કર્યું હતું. મુઇઝ્ઝુ પાંચ દિવસના આ પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય નેતાઓની સાથે મુલાકાત કરશે. તેમની આ પ્રથમ દ્વિપક્ષીય ભારતીય મુલાકાત છે. અગાઉ તેઓ જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પણ દિલ્હી આવ્યા હતા. તેઓ આ વખતે મુંબઇ અને બેંગલુરુની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ છે. મુઇઝ્ઝુની સાથે તેમના પત્ની સાઝિદા મોહમ્મદ પણ ભારત પધાર્યા હતા.
તેમની આ મુલાકાત પૂર્વે મુઇઝ્ઝુએ ભારતના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત માલિદવ્સના વિકાસ સાથે સંકળાયેલા મોટા મિત્રો દેશોમાં સ્થાન ધરાવે છે. જે પણ પડકારોનો માલદીવ સામનો કરશે તેમાં ભારત અમને જરૂર મદદરૂપ થશે. એક વર્ષ પહેલા જ મુઇઝ્ઝુએ માલદિવ્સના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવ્યા હતા. તેમની સરકારના મંત્રીઓએ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. જ્યારે મુઇઝ્ઝુએ પોતે પણ ચૂંટણી પ્રચારમાં ભારત વિરોધી વલણ અપનાવીને ચીનને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે વખાણ કરવા લાગ્યા છે. બન્ને દેશો વચ્ચે મુઇઝ્ઝુ અને તેના મંત્રીઓને કારણે વિવાદ પણ થયો છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુઇઝ્ઝુએ કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે જે પણ વિવાદ હશે તેનો ઉકેલ અમે વાતચીતથી લાવીશું. ગયા મહિને જ વૈશ્વિક એજન્સી મૂડીઝે માલદિવ્સનું ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધુ હતું. માલદીવ હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે ભારત આવેલા મુઇઝ્ઝુને ભારત પાસેથી મદદની આશા છે. ભારત આવ્યા બાદ મુઇઝ્ઝુએ સૌથી પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે મુલાકાત કરી હતી. જયશંકરે બન્નેની એક તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું હતું કે મુઇઝ્ઝુ અને મોદીની મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે.
આ પણ વાંચો :-