વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ હાજર રહ્યા હતા. જો કે, તેઓ ગુસ્સામાં મીટિંગ છોડીને બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, હું બોલી રહી હતી તો મારું માઈક બંધ કરી દીધું. પાંચ મિનિટ પછી જ મને બોલતા રોકી દેવામાં આવી હતી. મેં તેનો વિરોધ કર્યો કે મને બોલતા કેમ રોકવામાં આવી. સરકારને ખુશી થવી જોઈએ કે મેં આ બેઠકમાં ભાગ લીધો. સહકારી સંઘવાદને મજબૂત કરવામાં મને વધુ રસ છે, નીતિ આયોગ પાસે કોઈ નાણાકીય સત્તા નથી.
બંગાળના CM મમતા બેનરજીએ વધુમાં કહ્યું કે, “આ બેઠકમાં સરકાર પોતાના પક્ષના નેતાઓને વધુ બોલવા માટે તક આપી રહી છે. વિપક્ષમાંથી હું એકલી જ છું અને તમે મને બોલવાથી રોકી રહ્યા છો. આ માત્ર બંગાળનું જ નહીં, પરંતુ દેશનું અપમાન છે. તમામ પ્રાદેશિક પક્ષોનું પણ અપમાન છે.”
ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.
નીતિ આયોગની આ બેઠકમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગવર્નિંગ કાઉન્સિલ એ નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા છે. જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-