ભારતની સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો અહીં ભારતીયો ઘરમાં આવનાર મહેમાનને ભગવાન સમાન માને છે. પરંતુ કેટલીકવાર આપણા દેશમાં લોકો વિદેશી પ્રવાસીઓ સાથે એવું વર્તન કરે છે કે તેનાથી સમગ્ર દેશને નીચે જોવું પડે છે. તાજેતરમાં જ રાજસ્થાનના જયપુરમાં આવી જ એક ઘટના બની હતી. જ્યાં એક છોકરાએ વિદેશી મહિલાઓની બોલી લગાવતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કરેલો વીડિયો થોડી જ કલાકોમાં વાયરલ થઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર દેશને નીચે જોવાનો વારો આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ જયપુર પોલીસે વીડિયો બનાવનાર યુવકની ઓળખ કરી તેને કસ્ટડીમાં લીધો છે. યુવક જયપુરના જામવરાગઢનો રહેવાસી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જયપુર ફરવા આવેલી વિદેશી મહિલાઓ સાથે એક છોકરો ગેરવર્તન કરી રહ્યો છે. છોકરો મહિલાઓ તરફ આંગળી બતાવીને દરેક મહિલાની બોલી લગાવી રહ્યો છે અને આ ઘટનાનો તે પોતે વીડિયો બનાવી રહ્યો હતો. છોકરો વિદેશી મહિલાઓ તરફ ઈશારો કરીને કહેતો હતો કે, ‘યે ૧૫૦ કી… યે ૨૦૦ કી…’ છોકરો હિન્દીમાં બોલી રહ્યો છે, જેના કારણે મહિલાઓ સમજી શકતી નથી કે તે શું બોલી રહ્યો છે. અન્ય એક વીડિયોમાં આ છોકરો એક વિદેશી મહિલાને તેની પત્ની કહીને બોલાવી રહ્યો છે અને વિદેશી પુરુષને તેનો સાળો કહીને બોલાવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ છોકરો આમેર કિલ્લામાં ટુર ગાઈડ છે. તે આમેર અને જયગઢની આસપાસ ફરતો રહે છે. તે ઘણી વખત વિદેશી પર્યટકોને ત્યાંથી પસાર થતી વખતે હેરાન કરતો અને ગેરવર્તન કરતો જોવા મળ્યો છે. આ વખતે ફરી તેનો વિદેશી મહિલાઓ સાથે ગેરવર્તન કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો છોકરાની આ હરકત પર ગુસ્સે થઈ ગયા અને જયપુર પોલીસને ટેગ કરીને તેની સામે કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે છોકરાની ઓળખ કરીને તેની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો :-