ભાજપની એક દિવસ જૂની ઓડિશા સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુરુવારે જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા છે. એક દિવસ પહેલા જ તેના સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર આજે સવારે મંજૂરીની મોહર મારી દેવાઈ. ખાસ વાત એ છે કે ભાજપે ઓડિશા લોકસભા ચૂંટણી પહેલા મંદિરના દરવાજા ખોલવાનો વાયદો કર્યો હતો.
ભાજપે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનું ચૂંટણી વચન આપ્યું હતું. બુધવારે શપથ લીધા બાદ ઓડિશા કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ૪ દરવાજા ખોલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આજે સવારે વહીવટી તંત્રની હાજરીમાં ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. આ સાથે માઝી સરકારે પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું છે.
કોવિડ-૧૯ મહામારી બાદ બીજુ જનતા દળ સરકારે મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા હતા. ભક્તો માત્ર એક જ દ્વારથી પ્રવેશી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી. માઝીએ કહ્યું કે કેબિનેટે મંદિરના સંરક્ષણ માટે ૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી માઝી બુધવારે રાત્રે જ પુરી જવા રવાના થયા હતા. આખી રાત યાત્રાધામ નગરીમાં વિતાવ્યા બાદ આજે સવારે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા તેમની હાજરીમાં ખોલવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-