હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણની શક્યતા છે. અમરેલી જીલ્લામાં ૫ જૂનનાં તાપમાનમાં ૪૧ ડિગ્રી નોંધાવવા પામ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકું, ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની આગાહી કરી છે.

૯ તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે, આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગરમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી 3 દિવસમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે. મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે, સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ૧૫ જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.