પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં પ્રકૃત્તિપ્રેમી પોલીસ જવાનોએ પર્યાવરણનો સુમેળ રચ્યો છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે.
ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં મારૂં સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડિયો ફુટેજ જોતા આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલસ કર્મીઓએ અને પર્યાવરણપ્રેમીઓની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું.
આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે, અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે.
ઔસુરાએ વધુમાં કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ખાતે નાના-મોટા કામ માટે આવતાં લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે. ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દીવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કરાયા છે. જેથી ગુનેગારોનું હ્રદય પરિવર્તન થઈ શકે. પક્ષીઓ માટે વેસ્ટ મટિરીયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે. સાંજે ૬.૦૦ વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસવા આવે છે, પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે.
આ પણ વાંચો :-