દેશભરના લોકોની સાથે સ્થાનિક શેરબજાર પણ આજે ૪ જૂનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. કોની સરકાર બનશે? આ ટ્રેન્ડ મુજબ આજે મંગળવારે શેરબજારમાં હલચલ જોવા મળશે તેવી ધારણા હતી. પરંતુ મતગણતરીના દિવસે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧૬૦૦થી વધુ પોઈન્ટ તૂટીને ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી રેકોર્ડ સ્તરેથી સરકી ગઈ હતી. જેથી આવું લાગી રહ્યું છે કે રોકાણકારોને ચાલી રહેલી મતગણતરીના પરિણામો માફક આવ્યા નથી. લાખો રોકાણકારો આજે શેરબજાર પાસેથી મોટી અપેક્ષાઓ ધરાવતા હતા. પરંતુ શેરબજાર વિપરીત દિશામાં આગળ વધ્યું હતું.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો બેન્ચમાર્ક સેન્સેક્સ સવારે ૯.૨૫ વાગ્યે ૨૨૦૭.૯૮ પોઈન્ટ ઘટીને ૭૪૨૬૦.૮૦ ના સ્તરે પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૯૦.૩૦ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૨૨૫૭૩.૬૦ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજાર ૪ જૂને લાલ નિશાન પર ખુલ્યું હતું. આજે BSE ૧૬૪૦.૦૫ પોઈન્ટ ઘટીને ૭૪,૮૨૮.૭૩ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE ૮૪.૪૦ પોઈન્ટ ઘટીને ૨૩,૧૭૯.૫૦ પોઈન્ટ પર પહોંચ્યો હતો.