- સુરતમાં આવીને લખલૂટ કમાણી કરનારાઓએ સુરતીઓના રાજકીય ભવિષ્ય ઉપર પણ કબજો જમાવી દીધો, કારણ કે સુરતીઓ લડાયક નથી
- જ્યારે ક્યાંય પણ ભાજપનું રાજકીય અસ્તિત્વ નહોતું ત્યારે સુરતીઓએ ભાજપને સત્તા આપી હતી, પરંતુ સુરતીઓની નિખાલસતા અને વેપાર-ઉદ્યોગમાં આક્રમકતાના અભાવે અને ભરોસો કરવાની ટેવને કારણે રાજકીય તખ્તેથી સુરતીઓનો એકડો ક્રમશઃ ભુંસાતો ગયો
- આજે હાલત એવી છે કે સુરતીઓએ ધંધા, રોજગાર, નોકરી માટે પોતીકા શહેરમાં હોવા છતાં બીજા સામે હાથ ફેલાવવો પડે છે
- કોર્પોરેટર રેશ્મા લાપસીવાલાએ મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા માટે મહેંદી, નેઈલ આર્ટ, ફેબ્રિક્સ પેઈન્ટ, હેન્ડવર્ક, ગ્લાસ પેઈન્ટિંગ, હેન્ડમેડ જ્વેલરી શીખવવાના વર્ગો ચલાવવા પડે આને સુરતનો વિકાસ કહી શકાય? આ બધું શોખથી શીખી શકાય, પરંતુ આનાથી પરિવારનો ગુજારો કરી શકાય નહીં
- કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, પ્રવીણ નાયક, દર્શના જરદોશ, મુકેશ દલાલ, પૂર્ણેશ મોદી, અરવિંદ રાણા, નીતિન ભિજયાવાળા, મુકેશ પટેલ જેવા અનેક પોતીકા નેતા મળ્યા, પરંતુ કોણે સુરતીઓનું ભલું કર્યું? સુરતનો વિકાસ થયો, પરંતુ સુરતીઓનું અસ્તિત્વ જાળવી રાખવા માટે કોણે કેટલું યોગદાન આપ્યું?
પોતીકા પરિવારનો માહોલ ઊભો કરીને લોકોને કંઈક શીખવવાનું, આજીવિકા ઊભી કરી શકાય એવી દિશા આપવાનું કામ સરળ નથી, પરંતુ તળ સુરતના વોર્ડ ૧૩ના ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ આ દિશામાં સફળ પ્રયાણ કર્યું છે.
તળ સુરતી એટલે વિવાદને કોઈ અવકાશ નથી, રેશમા લાપસીવાળા સાથે જોડાયેલી લગભગ તમામ સુરતી યુવતીઓ-મહિલાઓ એક નવા ઉત્સાહ સાથે કંઈક શીખવાની ધગશ સાથે જોડાઈ રહી છે. વળી રેશમા લાપસીવાળાએ મહિલાઓ, યુવતીઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસને ‘પ્રારંભ’ નામ આપી ખરેખર સરાહનીય પ્રારંભ કર્યો છે.
થોડા દિવસ પહેલા વાડીફળિયા ડી.કે.એમ. હોસ્પિ.ની બાજુમાં આવેલી રાણા સમાજની સિકોતેર માતાની વાડીમાં સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રત્યેક મહિલા, યુવતીના ચહેરા અને વહેવારમાં નિર્દોષતા તરી આવતી હતી. આ પ્રસંગ જોયા પછી ખરેખર એવું લાગતું હતું કે સુરતી પરિવારો સાથે રાજકીય અન્યાય થઈ રહ્યો છે. સુરતની ધરતી ઉપર આવીને સેંકડો પરપ્રાંતીઓ કરોડપતિ અને લખપિત બની ગયા, પરંતુ સુરતીઓ હજુ ત્યાંના ત્યાં જ છે. સુરતને પોતીકા કહી શકાય એવા સ્વ. કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, દર્શના જરદોશ વગેરે અનેક નેતાઓ મળ્યા, પરંતુ તળ સુરતી પરિવારોનો આર્થિક, સામાજિક, રાજકીય વિકાસ થાય એવું કામ એક પણ નેતા કરી શક્યા નથી. કાશીરામ રાણા છ-છ વખત કેન્દ્રમાં ચૂંટાયા હતા અને ટેક્સટાઈલ મંત્રી પણ હતા, તેમ છતાં સુરતને વેપાર-ઉદ્યોગ, સામાજિક ક્ષેત્રે વિકાસ તરફ દોરી જવામાં સરિયામ નિષ્ફળ નિવડ્યા હતા. ફકીર ચૌહાણને પણ ભાજપે તક આપી હતી. ભાજપના ઉદયકાળમાં ફકીર ચૌહાણના નામનો સિક્કો ચાલતો હતો, પરંતુ ફકીર ચૌહાણે પણ શું કર્યું? િજંદગીના અંતિમ પડાવ તરફ જઈ રહેલા ફકીર ચૌહાણની રાજકીય, સામાજિક કામગીરીનું હાલના તબક્કે મુલ્યાંકન કરવું અયોગ્ય છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે સુરતીઓના પ્રશ્ને ફકીર ચૌહાણ ઉદાહરણરૂપ કંઈ જ કરી શક્યા નહોતા.
જ્યારે ત્રણ-ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અને કેન્દ્ર સરકારમાં રેલ્વે અને ટેક્સટાઈલ મંત્રીપદ ભોગવી ચૂકેલાં દર્શના જરદોશ પણ ખાસ કરીને તળ સુરતીઓના પ્રશ્ને અવાજ ઉઠાવવામાં ખરેખર નિષ્ફળ રહ્યાં. કંઈક પ્રશ્ન લઈને જાય તો પોતાની અશક્તિ છુપાવવા વાતવાતમાં ગુસ્સો કરવો આ તેમનો સ્વભાવ બની ગયો હતો અને હવે આ વખતે સાંસદ તરીકે ભાજપે પસંદગી નહીં કરતા મેદાનમાં ઊભા રહેવાને બદલે પીઠ બતાવવાની વૃત્તિ તેમના ભવિષ્યના રાજકારણ ઉપર પૂર્ણ વિરામ મૂકી દેશે.
આ ઉપરાંત મજબૂત કહી શકાય એવા પ્રવીણ નાયક, નીતિન ભિજયાવાળા, પૂર્ણેશ મોદી, અરવિંદ રાણા અને હવે મુકેશ દલાલ-આ તમામનું સરેરાશ રાજકીય નિરીક્ષણ જોતા તમામે રાજકીય ગુલામી સ્વીકારી લીધી હોય એવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. ભાજપ જેવા રાજકીય પક્ષમાં નેતૃત્વ પોતાનું વર્ચસ્વ ઊભુ કરી શકે. પરંતુ સામે પક્ષે સુરતીઓનો પક્ષ એટલા માટે મજબૂત છે કે જ્યારથી સુરતમાં જનસંઘ અને ભાજપનો ઉદય થયો ત્યારથી સુરતીઓ હરહંમેશ ભાજપની પડખે ઉભા રહ્યા છે. રાજ્યના અન્ય પ્રદેશોમાં ભાજપને દાદ મળતી નહોતી ત્યારે પણ સુરતીઓએ ખોબેખોબા ભરીને ભાજપને મત આપ્યા છે.
મતલબ ભાજપને પણ સુરતી મતોની જરૂર છે, પરંતુ સૌથી નબળી બાબત એ છે કે સુરતી પ્રજાને પોતાની શક્તિનો, પોતાના રાજકીય અસ્તિત્વનો અંદાજ નથી અને એટલે જ સુરતનું રાજકીય ભવિષ્ય નક્કી કરવાનું હંમેશાં બીજાના હાથમાં રહેતું આવ્યું છે.
રાજકારણ એ સમાજજીવનનો એક ભાગ છે. લોકશાહી દેશમાં સરકારોની રચના કરવામાં ‘લોકમત’ નિર્ણાયક પરિબળ છે અને આ નિર્ણાયક પરિબળની અવગણના કરવામાં આવે ત્યારે અવાજ ઉઠાવવો જ જોઈએ. આનું જીવંત ઉદાહરણ સુરતમાં જ વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીય લોકો છે. આ લોકોએ સુરતમાં જ ધંધા-રોજગાર વિકસાવ્યા, અઢળક કમાણી પણ કરી અને હવે રાજકીય તખ્તે પણ નિર્ણાયક પરિબળ પુરવાર થઈ રહ્યા છે. સુરતીઓનું રાજકીય ભવિષ્ય આ લોકો નક્કી કરે છે. આવા સમયે સુરતી નેતૃત્વ એક થઈને અવાજ ઉઠાવે તો ચોક્કસ સ્થિતિ બદલી શકાય, પરંતુ તેના માટેની પક્ષની મર્યાદામાં રહીને મોરચો માંડવાની તાકાત હોવી જોઈએ. માત્ર રાજકીય જ નહીં, ઔદ્યોગિક સહિત અન્ય સંગઠનો-સંસ્થાઓમાંથી તળ સુરતીઓનો એકડો ક્રમશઃ ભુંસાઈ રહ્યો છે.
અસ્તિત્વ માટે લડતા રહેવું એ સફળતાનો સૌથી પહેલો નિયમ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આના માટે ઉદાહરણ ગણી શકાય, પરંતુ અસ્તિત્વની લડાઈ લડવા માટે હિંમત જોઈએ અને સંગઠન પણ જોઈએ. પરંતુ હિંમત અને સંગઠન માર્કેટમાં વેચાતા મળતા નથી, ભૂતકાળમાં આ જ સુરતમાં અંગ્રેજોનું શાસન હતું. ડચનું શાસન હતું, મોગલો પણ હતા, પરંતુ હાલના તબક્કે સુરતીઓના નેતૃત્વને ખતમ કરવાના થઈ રહેલા પ્રયાસો ભૂતકાળમાં ક્યારેય પણ થયા નથી અને હજુ પણ સુરતી સેવખમણ ખાઈને ઊંઘતા જ રહેશે તો આગામી ખૂબ જ નજીકના ભવિષ્યમાં સુરતીઓનું રાજકીય-સામાજિક ક્ષેત્રે ભવિષ્ય સાવ ભુંસાઈ ગયું હશે.
પ્રવર્તમાન સ્થિતિમાં સુરતી કહી શકાય એવા મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ધારાસભ્ય અરવિંદ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ જ્યારે રાજકારણમાં લગભગ ભુલાઈ ગયેલા પ્રવીણ નાયક, નીતિન ભિજયાવાળા, ફકીર ચૌહાણ આ તમામ એવા ચહેરાઓ છે કે તેઓ સુરતીઓની નવી પેઢી માટે કે સુરતના ભવિષ્ય માટે અવાજ ઉઠાવે એવી એકની પણ ક્ષમતા નથી.
અને એટલે જ કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ સુરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહેંદી, નેઈલ આર્ટ, ફેબ્રિક્સ પેઈન્ટ, મંડલ આર્ટ, હેન્ડમેઈડ જ્વેલરી, ગ્લાસ પેઈન્ટિંગ જેવી પ્રવૃત્તિ શીખવવી પડે છે. આ પ્રવૃત્તિ શીખવા માટે ચોક્કસ સારી છે. પરંતુ આ પ્રવૃત્તિઓથી ઘર-પરિવારનો ગુજારો થઈ શકે નહીં. ખરેખર તો નવરાશના સમયમાં શીખવા માટેની આ પ્રવૃત્તિ છે.
અલબત્ત, રેશમા લાપસીવાળાનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે પરંતુ તળ સુરતી પ્રજાને વેપાર-ઉદ્યોગ અને રાજકારણના િશખરે લઈ જવા માટે સંગિઠત થઈને અવાજ ઉઠાવવામાં નહીં આવે તો અગાઉ કહ્યું તેમ સુરતી પ્રજા પોતાના જ શહેરમાં ભૂતકાળ બની જશે અને રાજકીય ગુલામીની હાલતમાં જીવતી હશે. ઉઘરાણી માટે નાકા ઉપરથી ગાળાગાળી કરતો સુરતી જ્યાં સુધી ખમણ ખાઈને પાછા ફરી જવાની વૃત્તિ ધરાવશે ત્યાં સુધી સુરતી પ્રજાને નેતૃત્વ મળવાની શક્યતા નથી.
આ પણ વાંચો :-